Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

એક રીઅલ્ટી શોમાં કેન્દ્રીય મંત્રીના નિવેદનથી મોદી સરકાર ક્ષોભજનક સ્થિતિમાં

૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે લોકોને ખોટા વચનો આપ્યા હતા : ગડકરી

મુંબઇ તા. ૧૦ : ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ચૂંટાવા ભાજપે અનેક ખોટા વચનો આપ્યાં હતાં અને હવે સત્તા પર આવ્યા બાદ તે વચનોને પૂરા કરવાની કોઇ યોજના નથી તેમ કેન્દ્રમાં મંત્રી અને ભાજપના એક હેવીવેઇટ નેતા નીતિન ગડકરીની એક કબૂલાતથી નરેન્દ્ર મોદીની સરકારને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવાનો વારો આવ્યો છે. 

હાલમાં એક જાતીય શોષણના એક અભિનેત્રીના આરોપોનો સામનો કરી રહેલા એકટર નાના પાટેકર સાથે તેમણે એક મરાઠી રીઅલ્ટી શોમાં છડેચોક આ કબૂલાત કરી હતી અને આ આખો એપિસોડ એક ચેનલ પર ચોથી અને પાંચમી ઓકટોબરે પ્રસારિત પણ થયું છે.

હાલમાં પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ છે અને આગામી વર્ષ લોકસભાની ચૂંટણી માટેનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે ત્યારે ગડકરીની આ કબૂલાતથી ભાજપને ફાયદો થાય કે ન થાય પરંતુ મોદીના 'વાયદા' સામે લોકોને પોતે છેતરાયાનો અહેસાસ થાય તે સ્વાભાવિક છે.

ગડકરીએ ઉમેર્યું હતું કે 'અમે સત્તા પર આવીશું તેવી ધારણા ન હતી. આથી અમને મોટા વચનોની સલાહ અપાઇ હતી... હવે અમે સત્તા પર છીએ, લોકો અમને અગાઉના વચનોની યાદ અપાવે છે. પરંતુ હવે અમે માત્ર હસીને આગળ વધી જઇએ છીએ.'કોંગ્રેસે ટ્વિટર પર નીતિન ગડકરીનું શેર કર્યું છે અને એવો સંદેશો આપ્યો છે કે કેન્દ્રીય મંત્રીએ સાબિત કરી દીધું છે કે મોદી સરકાર માત્ર 'જુમલા અને જૂઠાં વચનો' પર ઊભી છે.

પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીએ પણ વીડિયો ટ્વિટ કર્યો હતો. જાણવાની વાત એ છે કે ગડકરીએ એક અન્ય પ્રશ્નના જવાબમાં પાર્ટીને લોકોમાં વધુ મુકત અને પારદર્શી રહેવાની જરૂરિયાત પર ભાર મુકયો હતો. 

જોકે તનુશ્રી દત્તાના આરોપોના કારણે હાલમાં ચર્ચામાં રહેલા નાનાએ આ મામલે વિવાદાસ્પદ બોલવાથી બચ્યા હતા અને તેમના પરિવારની જ વાત કરી હતી.  ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપ નેતા અને રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક મુલાકાતમાં પોતાની પાર્ટીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે મોદીના પોતાના મંત્રીઓ અર્થશાસ્ત્ર અંગેની બાબત જાણતા નથી.(૨૧.૧૨)

(11:48 am IST)