Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

કોંગ્રેસના મહાગઠબંધનના પ્રયાસને વધુ એક ઝાટકો : ગઠબંધન કરવા CPMનો ઇન્કાર

CPMનો આ નિર્ણય બીજેપી વિરૂધ્ધ વિપક્ષની એકતા માટે આંચકારૂપ

નવી દિલ્હી તા. ૧૦ : આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષી એકતા અને મહાગઠબંધનના વિચારને વધુ એક ઝાટકો લાગ્યો છે. ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટીએ (CPM) કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન કરવાથી ઈનકાર કર્યો છે.CPM દ્વારા આ નિર્ણય દિલ્હીમાં સંપન્ન થયેલી ત્રણ દિવસીય કેન્દ્રીય સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. CPM દ્વારા એપ્રિલ મહિનામાં તેના રાષ્ટ્રીય સમ્મેલન દરમિયાન જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને યથાવત રાખવામાં આવ્યો હતો. જેમાં પાર્ટી દ્વારા ચૂંટણી પહેલાં કોઈ પણ પ્રકારનું ગઠબંધન નહીં કરવાનો અને ચૂંટણીના પરિણામ બાદ વિકલ્પ ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

CPMનો આ નિર્ણય બીજેપી વિરુદ્ઘ વિપક્ષની એકતા માટે ઝાટકો માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ બીજેપી વિરુદ્ઘ વિરોધ પક્ષની એકતા ઉપર ફરી સવાલો ઉભા થયા છે. આગામી મહિને યોજાનારી પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી પહેલાં મહાગઠબંધન કોઈ પણ પ્રકારનો આકાર લેવામાં નિષ્ફળ રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલાં સપા અને બસપા પણ કોંગ્રેસને ઝાટકો આપી ચૂકી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ઉપરોકત પાર્ટીઓને પોતાની સાથે લાવવાના પ્રયાસમાં નાકામ રહી છે. હવે સવાલ ઉઠી રહ્યાં છે કે, શું વર્ષ ૨૦૧૯માં સપા અને બસપા ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે?

આગામી વર્ષની લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હજી પણ મહાગઠબંધન બનાવવાની શકયતાઓ તપાસી રહ્યાં છે. પણ વર્તમાન સ્થિતિ જોતાં મહાગઠબંધનની રાહ આસાન નથી જણાઈ રહી.

(10:46 am IST)