Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

J&K આતંકી હુમલાની આશંકા વચ્ચે બીજા તબક્કાનું મતદાન શરૂ

ચૂંટણી મેદાનમાં ૧૦૯૫ ઉમેદવારો : ૬૫ ઉમેદવારો બિનહરીફ અને ૬૧ ઉમેદવાર કાશ્મીર ખીણ પ્રદેશના છેઃ કાશ્મીરમાં લગભગ ૭૦ વોર્ડ એવા છે જ્યાં મતદાન કરવાની જરૂર નથી કેમ કે કોઇપણ અહીં ચૂંટણી લડવા પણ ઉભું રહ્યું નથી

શ્રીનગર તા. ૧૦ : જમ્મૂ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આતંકવાદી અને અલગાવવાદી સંગઠનો દ્વારા ચૂંટણી રાબેતા મુજબ બહિષ્કારનું એલાન હોવાથી તેમજ આતંકવાદી જૂથો દ્વારા હુમલાની આશંકાને લઈને સમગ્ર શ્રીનગર શહેરને મજબૂત કિલ્લામાં ફેરવી નાખવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓને અહેવાલ મળ્યા છે કે અહીં ૬ જેટલા આતકવાદી છુપાયા છે જે ચૂંટણી દરમિયાન હુમલો કરી શકે છે.

આમ તો પાછલા ૬ મહિનામાં શ્રીનગરમાં આતંકવાદી હુમલા અને ગતિવિધિ ખુબ જ સામાન્ય થઈ ગઈ છે. પરંતુ આ વખતે શંકા દર્શાવાઈ છે કે ચૂંટણીને લઈને મોટા હુમલાના પ્લાનિંગમાં છે આ આતંકવાદીઓ. જણાવી દઇએ કે સોમવારે પહેલા તબક્કાની ચૂંટણીમાં કાશ્મીરમાં ફકત ૮.૫ ટકા મતદાન જ થયું હતું. જયારે જમ્મુ અને લદ્દાખમાં ૬૫% મતદાન થયું હતું.

બુધવાર વહેલી સવારથી જ આતંકવાદી હુમલાની આશંકાને લઈને પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનોએ શહેરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક જગ્યાએ છાપા માર્યા છે. તેમજ મોટા ભાગના મુખ્ય માર્ગો પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ આતંકવાદીઓ મોટરસાઇકલ અથવા સ્કુટી જેવી નાના વાહન હવે યુઝ કરતા હોવાની આશંકાને પગલે પોલીસે પાછલા થોડા દિવસોમાં અનેક શંકાસ્પદ ટુવ્હીલર જપ્ત કર્યા છે.

રાજયમાં જયાં જયાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં અલગતાવાદીઓ સૈયદ અલી જિલાની, મીરવાઇઝ ઉમર ફારૂક અને યાસિન મલિકે હડતાળનું આહ્વાહન કર્યું છે. ચૂંટણીને બાયકોટ કરવા માટે તેમણે કાશ્મીરના લોકોને ઉદ્દેશીને કહ્યું કે 'જો આ ચૂંટણીમાં આપણે ભાગ લઈશું તો આપણી લડાઈ નબળી પડી જશે.'

સત્તાવાર જાણકારી મુજબ ચૂંટણી મેદાનમાં ૧૦૯૫ કેન્ડિડેટ છે. જેમાંથી ૬૫ ઉમેદવાર તો નિર્વિરોધ જીતી ચુકયા છે. જે પૈકી ૬૧ ઉમેદવાર કાશ્મીર ખીણ પ્રદેશના છે. કાશ્મીરમાં લગભગ ૭૦ વોર્ડ એવા છે જયાં મતદાન કરવાની જ જરૂર નથી કેમ કે કોઈપણ અહીં ચૂંટણી લડવા પણ ઉભું રહ્યું નથી. આ જિલ્લાઓમાં આતંકવાદીઓ અને અલગતાવાદીઓનુ જોર વધારે છે અને તેમણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી લોકોને દૂર રહેવા જણાવ્યું છે. તો કાશ્મીરને બે સૌથી મોટી પાર્ટી પીડીપી અને નેશનલ કોન્ફ્રેન્સે પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

(10:45 am IST)