Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

છત્તીસગઢ : ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ, નવ મોત

બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ : ૧૧ ગંભીર : ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા

રાયપુર, તા. ૯ : છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં સ્થિત ભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં આજે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેના કારણે નવ લોકોના મોત થઇ ગયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા જે પૈકી કેટલાકની હાલત ગંભીર પણ જણાવવામાં આવી રહી છે. આ બ્લાસ્ટ ગેસ પાઇપલાઈનમાં થયો હતો. ૧૧ લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જે પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો તે પાટનગર રાયપુરથી આશરે ૩૦ કિલોમીટરના અંતરે સ્થિત છે. તેનું સંચાલન સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નિકળી હતી. જેને ધ્યાનમાં લઇને બચાવ અને રાહત કામગીરી તરત હાથ ધરવામાં આવી હતી. સાથે ફાયર બ્રિગેડની ટુકડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં ગેસ પાઈપલાઈનમાં રિપેરિંગ કામગીરી વેળા આ બ્લાસ્ટ થયો હતો.

બ્લાસ્ટ બાદ તમામ ઘાયલોને તરત જ સેક્ટર-૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાકની હાલત ગંભીર જણાવવાાં આવી છે. દુર્ગ જિલ્લામાં પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યું હતુ ંકે, પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો ત્યારે વધારે લોકો આસપાસ હોવાથી મોતનો આંકડો વધી ગયો છે. ઘાયલો પૈકી કેટલાકને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી શકે છે. પ્લાન્ટના કોકઓવનમાં ૨૫થી વધુ કર્મચારી કામ કરી રહ્યા હતા. સવારે ૧૧ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. આ પહેલા જૂન ૨૦૧૪માં પણ ભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં પંપ હાઉસમાં બ્લાસ્ટ થયો હતો. તે વખતે છ લોકોના મોત થઇ ગયા હતા. જ્યારે ૩૪ લોકો ઘાયલ થયા હતા. આ વર્ષે ઉત્તરપ્રદેશમાં રાયબરેલી નજીક એનટીપીસી પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ૩૨થી વધુ લોકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

(12:00 am IST)