Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ઉત્તર ભારતીયો પર હુમલા પાછળ કોંગ્રેસનો હાથ : ભાજપનો આરોપ

હુમલાના સંદર્ભમાં રાજકીય સંગ્રામ હજુ જારી રહે તેવા સંકેત : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નજીકના સાથી અલ્પેશના ઇશારે ઉત્તર ભારતીયો પર હુમલા થયા : સરકારના પગલાથી કોંગીની યોજના પર પાણી ફરી વળ્યું

નવીદિલ્હી, તા. ૯ : ગુજરાતમાં ઉત્તર ભારતીયો ઉપર હિંસાના મામલામાં રાજકીય સંગ્રામ જારી છે. ભાજપે રાજ્યમાં ફેલાયેલી હિંસાની પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો આક્ષેપ કરતા કહ્યું છે કે, આની પાછળ અલ્પેશ ઠાકોર જવાબદાર દેખાઈ રહ્યા છે. તેમના વિરોધના કારણે આ પ્રકારની હિંસા ભડકી ઉઠી છે. રાજ્યમાં ઉત્તર ભારતીયો પર હુમલા બાદ અહીંથી ૫૦૦૦૦થી વધુ બિનગુજરાતી લોકો પલાયન કરી ચુક્યા છે અને પોતાના વતન પરત ફર્યા છે. જો કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરક્ષાની ખાતરી આપી છે અને તેમને પરત ફરવા અપીલ કરી છે. આજે ભાજપના પ્રવક્તા સંબીત પાત્રાએ પ્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસ અને ગાંધી પરિવાર એનું નામ છે જે સત્તા માટે કંઇપણ કરી શકે છે. કોંગ્રેસની હાલમાં પાણી વગર માછલી જેવી થયેલી છે. તેમણે કહ્યું હતું કે, સત્તા માટે પાર્ટી દેશના હિતોને પણ નુકસાન પહોંચાડી રહી છે. પાત્રાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નજીકના મિત્ર છે. ઠાકોરે ગુજરાતમાં હિંસાને ભડકાવી છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે અનેક રાજ્યોમાં હિંસાને ભડકાવવામાં ભૂમિકા ભજવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસના ઇશારે ચલાવવામાં આવ્યું હતું. મંદસોર આંદોલન, પાટીદાર આંદોલન, ભીમા કોરેગાંવ આંદોલનની પાછળ પણ કોંગ્રેસનો હાથ રહેલો છે. પાત્રાએ કહ્યું હતું કે, કોંગ્રેસે ગુજરાતમાં ઉત્તર ભારતીયો ઉપર હુમલા કરાવ્યા છે. હુમલાના આરોપમાં રાજ્યમાં ૩૦થી વધુ નેતાઓની ધરપકડ કરવામાં આવીચુકી છે. રાહુલ અને અલ્પેશના કહેવા ઉપર કોંગ્રેસી કાર્યકરો હિંસા ઉપર ઉતરી આવ્યા છે. જો કે, રાજ્ય સરકારના પ્રયાસોના લીધે તેમના ઇરાદા ઉપર પાણી ફરી વળ્યું છે. પાછળથી હિંસા ભડકાવવાનું કામ કોંગ્રેસનું રહેલું છે. આ તમામની પાછળ રાહુલને લોંચ કરવાનો રહેલો છે. ગુજરાતમાં ઉત્તર ભારતીયો ઉપર થઇ રહેલા હુમલાના મામલામાં અલ્પેશ ઠાકોરનું નામ સપાટી ઉપર આવી રહ્યું છે જે કોંગ્રેસના ધારાસભ્ય છે. ઉત્તર ભારતીય અને ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહારથી આવેલા લોકોના વિરોધની શરૂઆત અલ્પેશ દ્વારા જ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના બિહાર પ્રભારી પણ અલ્પેશ ઠાકોર છે. સ્થિતિ નિયંત્રણની બહાર હોવાના કારણે અલ્પેશની રણનીતિ બેકફાયર થઇ ગઇ છે. હવે તેમની પાર્ટીને શરમજનક સ્થિમિાં મુકાઈ જવાની ફરજ પડી છે. અલ્પેશે કહ્યું હતું કે, સરકાર લોકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઈ છે અને તેમને બદનામ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગુજરાતમાં ઉત્તર ભારતીયો ઉપર હુમલાને લઇને જોરદાર હોબાળો મચી ગયો છે.

(12:00 am IST)