Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

હવે કર્મચારીઓને પીએફના નાણાં માટે એનપીએસનો વિકલ્પ પણ મળશે

ર૪ સમ્ટેમ્બરે મહત્વપૂર્ણ બેઠક : પીએફના નાણાં એનપીએસ દ્વારા સ્ટોક માર્કેટમાં રોકી શકાશે

નવી દિલ્હી, તા. ૧૦ : હવે તમારા પીએફનાં સંપૂર્ણ નાણાં એનપીએસ દ્વારા શેરબજારમાં રોકી શકાશે. કર્મચારીઓને ટૂંક સમયમાં આ વિકલ્પ મળનાર છે એટલું જ નહીં, હવે જયારે તમે નવી નોકરી જોઇન કરશો ત્યારે તમને પૂછવામાં આવશે કે શું તમે ઇપીએફ સ્કીમ લેવા માગો છો કે એનપીએસ? સરકારે આ પ્રસ્તાવનો ડ્રાફટ ઈશ્યૂ કરી દીધો છે અને ર૪ સપ્ટેમ્બરે આ અંગે આખરી નિર્ણય લેવા એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ સરકારી રિટાયરમેન્ટ સેવિંગ્સ સ્કીમ છે, જે કેન્દ્ર સરકારે ૧ જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ લોન્ચ કરી હતી. આ તારીખ બાદ જોઈન કરનાર તમામ સરકારી કર્મચારીઓ માટે આ યોજના ફરજિયાત છે.

વર્ષ ૨૦૦૯ બાદ આ યોજના પ્રાઇવેટ સેકટરના કર્મચારીઓ માટે પણ ખુલ્લી મૂકી દેવામાં આવી છે. પીએફનાં સમગ્ર નાણાં એનપીએસમાં ટ્રાન્સફર કરવાનો  હવે કર્મચારીઓને વિકલ્પ મળી શકે છે.

તમે તમારી ઇચ્છા મુજબ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ) અથવા નેશનલ પેત્શન સિસ્ટમ (એનપીએસ)ની પસંદગી કરી શકો છો. આ અંગે આખરી નિર્ણય લેવા શ્રમ મંત્રાલય ર૪ સપ્ટેમ્બરના રોજ તમામ પક્ષકારની એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં સંમતિ સધાયા બાદ આ પ્રસતાવ કેબિનેટ સમક્ષ મંજૂરી અર્થે મોકલવામાં આવશે.

એનપીએસ વિકલ્પ પસંદ કરવા પર એક મહિનામાં તમારાં સંપૂર્ણ નાણાં ટ્રાન્સફર થઈ જશે, એનપીએસ વિકલ્પ પસંદ કર્યા બાદ તમે ઇચ્છો તો ફરીથી ઇપીએફ વિકલ્પ પસંદ કરી શકશો, જોકે ઇપીએફ સ્કીમ ફરીથી પસંદ કરશો તો તમને નવા મેમ્બર ગણવામાં આવશે. કામદાર મંડળ કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યાં છે. આ બેઠકમાં પીએફને લગતા અન્ય વિવાદો અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે,

(3:43 pm IST)