Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ઉંચા સ્ટોક તથા કેનેડા-રશિયાથી આયાતને કારણે

બે સપ્તાહથી કઠોળના ભાવ ઘટવા લાગ્યા

૮ થી ૧૦ ટકાનો ભાવ ઘટાડો

નવી દિલ્હી તા. ૧૦ :.. ઊંચા સ્ટોક અને કેનેડા તથા રશિયામાંથી આયાતના કારણે પાછલાં બે સપ્તાહ દરમિયાન કઠોળના ભાવમાં આઠથી દસ ટકાનો ઘટાડો નોંધાયો હતો, તેમ ટ્રેડર્સ કહે છે. તેમના મતે કઠોળની કિંમત નરમ જળવાઇ રહેશે કેમ કે આગામી કેટલાંક સપ્તાહમાં નવા પાકના કરણે સપ્લાયમાં વધારો થશે.

એગ્રી ફાર્મર્સ એન્ડ ટ્રેડર્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી સુનિલ બલદેવાએ જણાવ્યું હતું કે મોટા ભાગના કઠોળ હાલમાં પણ લઘુતમ ટેકાના ભાવથી નીચી કિંમત પર વેચાઇ રહ્યા છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે ભાવ વધારે ઘટશે. પાછલા એક પખવાડીયામાં ઇન્દોર અને બિકાનેરની જથ્થાબંધ બજારોમાં ચણાનો ભાવ ૧૦ ટકા ઘટીને કિલો દીઠ રૂ. ૩૯ ચાલી રહ્યો છે. જયારે તુવેરની કિંમત આઠ ટકા ઘટીને કિલો દીઠ રૂ. બાવન છે. ટ્રેડર્સ કહે છે કે પાછલા ૧પ દિવસમાં મુંબઇના જથ્થાબંધ માર્કેટમાં તુવેરનો ભાવ આઠ ટકા ઘટીને કિલો દીઠ રૂ. ૪૮.પ૦ હતો. ચેન્નાઇમાં અડદનો ભાવ ચાર ટકા ઘટીને કિલો દીઠ રૂ. ૪૬ હતો.

એનસીડીઇએકસ પર ચણાનો ઓકટોબર કોન્ટ્રાકટ કિવન્ટલ દીઠ રૂ. ૪,૦૬૭ હતો જે દર્શાવે છે કે કિંમતો લઘુતમ ટેકાના ભાવની સરખામણીએ ૧ર ટકા નીચી જળવાઇ રહેશે તેવી અપેક્ષા છે, જેની સામે ઓપન ઇન્ટરેસ્ટ ૮૧,૭૪૦ લોટસનો છે. તે જ પ્રમાણે ઓકટોબર કોન્ટ્રાકટમાં મગની કિંમત લઘુતમ ટેકાના ભાવની સરખામણીએ ૧૯ ટક નીચી ટાંકવામાં આવે છે જે કિવન્ટલ દીઠ રૂ. પ,૭૦૦ છે.

બલદેવા કહે છે કે કેનેડા તથા રશિયામાંથી એક લાખ ટન કરતાં વધારે પીળા વટાણાની આયાત કરવામાં આવી તેને પરિણામે ભાવ નબળા પડી ગયા છે. નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન પાસે ૩પ લાખ ટન કઠોળ સ્ટોકમાં છે. જે એ બાબતની ખાતરી કરે છે કે આગામી  કેટલાક મહિનાઓ સુધી કઠોળની કિંમત લઘુતમ ટેકાના ભાવની નીચે જળવાઇ રહેશે, તેમ એક કોમોડીટી બ્રોકર વિવેક અગ્રવાલે જણાવ્યું હતું. (પ-પ)

(11:25 am IST)