Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ચેતજો ... હેન્ડસ ફ્રી લગાવીને ડ્રાઇવિંગ કરવા પર લાગશે પ હજારનો દંડ

બ્લુટુથ ડિવાઇસ કે સ્પીકર ફોન પર વાત કરવાથી પણ લાગુ થશે નિયમ

નવી દિલ્હી, તા.૧૦: મોટર વ્હીકલ એકટ ૨૦૧૯ના નવા નિયમો લાગૂ થયા બાદ મોબાઈલ પર વાત કરતાં કરતાં ગાડી ચલાવવામાં આવશે તો પણ મોટો દંડ ફટકારવામાં આવશે. પહેલાં આ દંડ માટે રૂ. ૧૦૦૦ ભરવા પડતા હતા, પરંતુ હવે તેને માટે તમારે રૂ. ૫૦૦૦ ભરવા પડશે.

ટ્રાફિક નિયમોમાં સૌથી વધારે કોઈ નિયમનો ભંગ થતો હોય તો તે છે મોબાઈલ પર વાત કરતાં કરતાં વાહન ચલાવવું. ગંભીર ગણાતા ટ્રાફિકના નિયમોમાં આ માટે કોઈ ખાસ એકશન લેવાતા નથી. પરંતુ હવે એવું નથી. જો તમે કાન પર ફોન રાખીને વાત કરો છો કે પછી હેન્ડ્સ ફ્રીની મદદથી પણ ડ્રાઈવિંગ સમયે વાત કરો છો તો તમને રૂ. ૫૦૦૦નો દંડ થઈ શકે છે.

બસ, ટ્રક અને કારથી લઈને બાઈક, સ્કૂટર અને સાયકલ પર જતાં લોકો પણ મોબાઈલ પર વાત કરી લેતા હોય છે. કાર, બસ અને હેવી ગાડીઓ માટે રસ્તા પર લાગેલા કેમેરા પણ કામ કરી શકતા નથી કારણ કે તેઓ ઓફેન્સને પકડી શકતા નથી. જયારે બાઈક અને સ્કૂટર વાળા ટ્રાફિક પોલિસથી બચીને નીકળી જાય છે. આ સમયે વાયર વાળા હેન્ડ્સ ફ્રીથી લઈને બ્લૂટ્રૂથથી ચાલનારા સસ્તા વાયરલેસ હેન્ડ્સ ફ્રી ડિવાઈસ પણ લોકો યૂઝ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે જયારે મોટર વ્હીકલ સંશોધન એકટ બાદ જો તમે ગાડી ચલાવતી સમયે કોઈ પણ પ્રકારે મોબાઈલ પર વાત કરો છો તો તમારે દંડની મોટી રકમ ભરવી પડે તે શકય છે. પહેલાં તેના માટે રૂ. ૧૦૦૦નો દંડ હતો. હવે તેની રકમ ૫ ગણી વધારીને રૂ. ૫૦૦૦નો કરી દેવામાં આવી છે.

નવા એકટમાં એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ફકત મોબાઈલ ડિવાઈસ હાથમાં રાખીને વાત કરતાં જ મેમો ફાટશે એવું નથી. તમે કોઈ પણ પ્રકારના હેન્ડ્સ ફ્રી, બ્લૂટ્રૂથ કે સ્પીકર ફોન પર પણ વાત કરો છો તો તમે દંડને પાત્ર છો. કારણ કે તેનાથી તમારું ધ્યાન ડાયવર્ટ થાય છે અને એકસીડન્ટની શકયતા વધે છે. જો હવેથી તમે પણ આ પ્રકારે વાત કરતાં વાહન ચલાવશો તો પોલીસ તમારા નામનો મેમો ફાડી શકે છે.

(10:41 am IST)