Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

કોંગ્રેસ માટે શરૂ થશે બુરે દિન

૧૯૮૪ના સિખ વિરોધી હુલ્લડોની ફાઇલ ફરી ખોલવા ગૃહમંત્રાલયની મંજૂરી

કમલનાથ પર હુલ્લડો દરમિયાન હિંસાના ગંભીર આરોપ હતા જેની ફરી તપાસ થશે

નવી દિલ્હી, તા.૧૦: ગૃહમંત્રાલયે વર્ષ ૧૯૮૪માં દિલ્હી ખાતે થયેલા સિખ વિરોધી હુલ્લડોની ફરી તપાસ માટે મંજૂરી આપી દીધી છે. મહત્વની બાબત એ છે કે કેન્દ્રની મંજૂરી સાથે મધ્યપ્રદેશના સીએમ કમલનાથની સમસ્યાઓમાં વધારો થઇ શકે છે કારણ કે, દિલ્હીના હુલ્લડોમાં કમલનાથનું નામ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના દિવસો ખરાબ ચાલી રહ્યા છે, જયાં વિતેલા દિવસોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમની સીબીઆઇએ ધરપકડ કરી હતી અને હવે કમલનાથ પર સંકટ આવે તેવી સંભવનાઓ વધી ગઇ છે.

બીજી તરફ કમલનાથે આ હુલ્લડોમાં તેમનો હાથ હોવાના આરોપને નકારી કાઠ્યા હતા. આ મામલાએ ત્યારે ગરમાવો પકડ્યો હતો જયારે કોંગ્રેસ કમલનાથને મધ્યપ્રદેશના સીએમ તરીકે નિમ્યા હતા. તેમની શપથવિધિના દિવસે મધ્યપ્રદેશ અને પંજાબમાં તેમના વિરોધમાં પ્રદર્શન થયા હતા. કમલનાથ પર દિલ્હી કોંગ્રેસના નેતાઓ સાથે મળીને ૧૯૮૪માં ભીડને ઉકસાવવાના આરોપ હતા, જે પછી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના જ સુરક્ષા કર્મીએ ગોળી મારી હત્યા કરી નાંખી હતી.

હિંસાને નરી આંખે જોનારાઓએ આરોપ લગાવ્યા હતા કે કમલનાથે સેન્ટ્રલ દિલ્હીના રકાબગંજ ગુરુદ્વારા બહાર ભીડનું નેતૃત્વ કર્યું હતું અને તેમની હાજરીમાં જ બે સિખને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે નાણાવટી સમિતિએ તપાસમાં શકનો લાભ કમલનાથને આપ્યો હતો. કમલનાથે આ મામલે સ્વીકાર કર્યો હતો કે ઘટના સમયે તે હાજર હતા અને ભીડને કાબૂ કરવાના પ્રયત્ન કરી રહ્યા હતા.

 શિરોમણી અકાળી દળના સભ્ય અને દિલ્હી ધારાસભ્ય મનજિન્દર સિંહ સિરસાએ માંગ કરી હતી કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તાત્કાલિક ધોરણે કમલનાથને સીએમ પદેથી હટાવે, તેમણે બે સાક્ષીઓની સુરક્ષા માટે પણ માંગ કરી હતી જે કમલનાથ વિરુદ્ઘ કોર્ટમાં જૂબાની આપવા માટે તૈયાર છે.

કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલે ગૃહમંત્રાલયના સિખ વિરોધી હુલ્લડોના કેસને ફરી ખોલવાના નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું કે સીએમ કમલનાથ વિરુદ્ઘ કેસને ફરી ખોલવો એ સિખોની જીત છે. હવે કમલનાથ તેમના કરેલા ગુનાઓની સજા ભોગવશે.

(9:51 am IST)