Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ભારત-પાક વચ્ચેનું ટેન્શન ઘટી ગયું: બંને દેશ ઇચ્છે તો મદદ કરવા તૈયાર છું

૨ સપ્તાહ પહેલા જે ટેન્શન હતું તેમાં ઘટાડો

વોશીંગ્ટન, તા.૧૦:  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે બે સપ્તાહ પહેલાંની સરખામણીમાં તણાવ ઘટી ગયો છે. આ સિવાય તેમણે એક વખત ફરીથી કહ્યું કે જો દક્ષિણ એશિયાના બંને પાડોશી ઇચ્છે તો તેઓ મધ્યસ્થતા માટે તૈયાર છે. ટ્રમ્પનું આ નિવેદન ૨૬મી ઓગસ્ટના રોજ ફ્રાન્સમાં ઞ્૭માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથેની મુલાકાત બાદ બે સપ્તાહ પછી આવ્યું છે. આ મુલાકાતમાં પીએમે ટ્રમ્પની સામે  સ્પષ્ટ શબ્દમાં કહી દીધું હતું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઇ મુદ્દા પર ત્રીજા દેશના હસ્તક્ષેપની જરૂર નથી.

સોમવારના રોજ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મીડિયાકર્મીઓની સામે કહ્યું કે તમે જાણો છો કે કાશ્મીરને લઇ ભારત અને પાકિસ્તાનમાં તણાવ છે. મારું માનવું છે કે બે સપ્તાહ પહેલાં જે તણાવ હતો તેમાં હવે ઘટાડો આવ્યો છે. જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ને ભારત સરકાર દ્વારા નિષ્પ્રભાવી કર્યા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધેલો છે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતાની કેટલીય વખત ઇચ્છા વ્યકત કરી ચૂકેલા ટ્રમ્પે ફરી એકવખત આ નિવેદન દોહરાવ્યું છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે સ્થિતિની આકરણીને લઇ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે મને બંને દેશોનો સાથ ખૂબ જ સારો લાગે છે. હું તેમની મદદ કરવા માંગું છું, જો તેઓ ઇચ્છે તો. તેઓ જાણે છે કે તેમની સામે આ પ્રસ્તાવ છે.

 

(9:52 am IST)