Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

કચ્છની ક્રીક સરહદથી ઘૂસીને આતંકીઓ દક્ષિણ ભારતમાં પહોંચી ગયા ? ભારતીય સેનાને આશંકા...

ભુજ, તા.૧૦: છેલ્લા કેટલાયે દિવસોથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ આપણાં દેશમાં ઘૂસીને ભાંગફોડ સર્જશે એવા ઇનપુટ વિવિધ ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળી રહ્યા છે. તે વચ્ચે કચ્છ સરહદે પકડાયેલી બે બોટને ટાંકીને લશ્કરના એક ઉચ્ચ અધિકારી દ્વારા ટ્વીટર પર વ્યકત કરાયેલી શંકા અને દક્ષિણ ભારતમાં આતંકવાદીઓ દ્વારા ભાંગફોડ થવાની શકયતાએ ફરી એક વખત સુરક્ષા એજન્સીઓને દોડતી કરી છે.

જોકે, ભૂતકાળમાં હૈદરાબાદમાં થયેલ બોમ્બ વિસ્ફોટમાં વિસ્ફોટક સામગ્રી કચ્છ સરહદે થી ઘુસાડાઈ હોવાનું ખુલ્યું હતું. તો, કચ્છ સરહદેથી અગાઉ પણ વિસ્ફોટક સામગ્રીઓ હોય કે પછી મુઝમ્મીલ જેવા ખૂંખાર આતંકવાદીઓ હોય પકડાઈ ચુકયા છે. ત્યારે કચ્છની ક્રીક સીમાએથી સર ક્રીક- હરામીનાળા વિસ્તારમાંથી ગયા મહિનાનાં અંતિમ સપ્તાહ દરમિયાન વહેલી સવારે મળી આવેલી બે પાકિસ્તાની બોટ અને આ બોટમાં કોણ લોકો હતા અને તેઓ કઈ તરફ ગયા હતા એ વાત રહસ્ય બની છે. ત્યાં જ ઇન્ડિયન આર્મીનાં એક ઉચ્ચ અધિકારીએઙ્ગ આ અંગે કરેલી એક ટ્વીટને પગલે આ મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જેમા ભારતીય સેનાનાં લેફટનન્ટ જનરલઙ્ગ કક્ષાનાં ઓફિસરે એવી આશંકા વ્યકત કરી છે કે કચ્છનાં ક્રીક એરિયામાં મળેલી બોટ તથા ત્યારબાદ દક્ષિણ ભારતમાં કોઇક જગ્યાએ આતંકીઓ તેમના નાપાક મનસૂબાને અંજામ આપી શકે છે તેવા ઇન્ટેલિજન્સ ઇનપુટ મળી રહ્યા છે.

ઇન્ડિયન આર્મીનાં સધન કમાન્ડનાં વડા એવા જનરલ ઓફિસર કમાન્ડ(જીઓસી) નાં કમાન્ડર લેફટનન્ટ જનરલ એસ.કે.સૈનીએ ગઈકાલે ટ્વીટ કરીને એવી આશંકા વ્યકત કરી હતી કે, ભારતીય સેનાને કેટલાક એવા ઇનપુટ મળ્યા છે કે આતંકીઓ દક્ષિણ ભારતમાં કોઈ આતંકી ઘટનાને અંજામ આપી શકે છે. કચ્છનાં ક્રીક એરિયામાંથી મળેલી બિનવારસી બોટની ઘટના ઉપર પણ તેમની ખાસ નજર છે એમ ઉમેરતા લેફટનન્ટ જનરલ સૈનીએ ઇન્ડિયન આર્મી કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી કાળજી લઈ રહી છે તેમ પણ જણાવ્યું હતુ. ભારતીય સેનાનાં ઉચ્ચ અધિકારી કચ્છમાંથી જે બોટ મળી આવવાની વાત કરી રહયા છે તે ઘટના ગયા મહીને અંતિમ સપ્તાહ દરમિયાન બની હતી.ઙ્ગ જેમાં ૨૪મી ઓગષ્ટની સવારે ૬.૩૦ વાગ્યાના અરસામાં ઇન્ડો-પાક બોર્ડરનાં અંતિમ પીલર ૧૧૭૫થી થોડે દુર આવેલા હરામીનાળા વિસ્તારમાંથી સિંગલ એન્જિનવાળી બે ફિશીંગ બોટ ભારતીય એરિયામાં જોવા મળી હતી.ઙ્ગ

તે વખતે બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીએ તરત જ બોટને કબજામાં લઇને સમગ્ર હરામીનાળા વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતુ. પરંતુ કોઈ પણ નાપાક તત્વો ઝડપાયા ન હતાં. અતિ સંવેદનશીલ ક્રીક એરિયામાં ચુસ્ત બંદોબસ્ત હોવા છતા પાક બોટ કેવી રીતે ભારતીય એરિયામાં આવી ગઈ, તેમાં કેટલા લોકો હતા.

બોટનાં લોકો બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીને જોઈને ભાગી ગયા કે તેમના મનસૂબાને પાર પાડી ભાગી ગયા હતા વગેરે જેવા પ્રશ્નોનો તે વખતે ઉભા થયા હતાં. જેના જવાબ તે વખતે અને આજે પણ કોઈ અધિકારી પાસે નથી. પરંતું એટલું ચોક્કસ હતુ કે, લાંબા સમયથી કચ્છ બોર્ડરને લઇને એલર્ટ આપવા છતા બીએસએફની પોતાની આગવી અલાયદી ઇન્ટેલિજન્સ એજન્સીનુંઙ્ગ 'જી' બ્રાન્ચનું ભુજ યુનિટ ઊંઘતુ ઝડપાઇ ગયુ હતુ. હવે ઇન્ડિયન આર્મીના લેફટનન્ટ જનરલનાં ટ્વીટને પગલે ફરી એકવાર બીએસએફ કચ્છની ગુપ્તચર જી બ્રાન્ચની કામગીરી ચર્ચામાં આવી છે.(૨૩.૧૦)

(11:26 am IST)