Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરપુરમાં મસ્‍જીદને તોડાની બચાવીને વર્ષોથી મુસ્લિમ પરિવારની વસ્તી ન હોવા છતાં હિન્દુ લોકો કરે છે દેખરેખ

મુઝફ્ફરનગર: 2013માં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરપુરમાં જ્યારે રમખાણો થઈ રહ્યા હતા અને તોફાની ટોળાએ 120 વર્ષ જૂની મસ્જિદ ધ્વસ્ત કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે રામવીર કશ્યપ નામની વ્યક્તિએ અન્ય ગામડાઓના લોકોને પોતાના સપોર્ટમાં ભેગા કરીને મસ્જિદને બચાવી હતી. તે ઘટનાના પાંચ વર્ષ પછી આજે પણ મુઝફ્ફરનગરના નન્હેડા ગામમાં 59 વર્ષીય રામવીર તે મસ્જિદની દેખરેખ કરી રહ્યા છે.

એક દિવસના આંતરે તે મસ્જિદની સફાઈ કરે છે, દરરોજ સાંજે મીણબત્તી સળગાવે છે અને દર વર્ષે રમઝાન મહિનામાં મસ્જિદને કલર પણ કરાવે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં રામવીર જણાવે છે કે, મારી ફરજ છે. મારો ધર્મ મને શીખવે છે કે દરેક ધર્મસ્થળનું સન્માન કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી રહેતો. ડિસ્ટ્રીક્ટ હેડક્વાર્ટરથી 40 કિલોમીટર દૂર આવેલા ગામમાં મોટાભાગે જાટ સમુદાયના લોકો રહે છે અને થોડા દલિત તેમજ OBC સમાજના લોકો રહે છે. રામવીરના જણાવ્યા અનુસાર, આઝાદી પહેલા ગામમાં મોટી સંખ્યામાં મુસ્લિમો રહેતા હતા. ધીરે ધીરે તેઓ અહીંથી જતા રહ્યા. હવે અહીં ક્યારેક કોઈ નમાઝ માટે આવે છે.

ખેડી ફિરોઝાબાદ ગામમાં રહેતા હેલ્થકેર અધિકારી ખુશનસીબ અહમદ કહે છે કે, થોડા વર્ષો પહેલા મેં જ્યારે ગામની મુલાકાત લીધી તો મને જાણીને નવાઈ લાગી કે એક હિન્દુ વ્યક્તિ મસ્જિદની દેખરેખ કરે છે. નફરતની સામે આવા પ્રેમ અને એકતાના ઉદાહરણ પણ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે રામવીર મસ્જિદથી 100 મીટર દૂર રહે છે.

રામવીર જણાવે છે કે, હું નાનો હતો ત્યારથી મસ્જિદની આસપાસ રમતો હતો. મારા માટે તે પૂજા કરવાનું સ્થળ છે, માટે તેનું સન્માન થવું જોઈએ. મસ્જિદનું ધ્યાન રાખવા વાળુ કોઈ નથી માટે મેં જવાબદારી લીધી. હું પાછલા 25 વર્ષથી દરરોજ પરિસરમાં કચરો સાફ કરુ છું.

(5:39 pm IST)