Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સરકારે હાથ ઉંચા કરી દીધા : ઇંધણના ભાવ ઘટાડવા અમારા હાથમાં નથી

પેટ્રોલીયમ પેદાશોના ભાવ વધવામાં સરકારનો કોઇ હાથ નથી : ભારત બંધ નિષ્ફળ ગયાનો ભાજપનો દાવો

નવી દિલ્હી તા. ૧૦ :  પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોના વિરોધમાં કોંગ્રેસે આજે ભારત બંધનું આહ્વાન કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા એ અમારા હાથમાં નથી. આંતરરાષ્ટ્રીય બજારની રીતે પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થાય છે. પેટ્રોલના ભાવ વધવામાં સરકારનો કોઈ હાથ નથી.  બિહારમાં ભારત બંધ દરમિયાન બાળકીના મોતની ઘટના પર તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે બંધ દરમિયાન કયારેય એમ્બ્યુલન્સ રોકવામાં આવતી નથી. બે વર્ષની બાળકીના મોત પર રાહુલ ગાંધી જવાબ આપે. અમે જનતાની પરેશાનીઓ સાથે છીએ. રવિશંકર પ્રસાદે કહ્યું કે વિપક્ષનું ભારત બંધ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે. તેમણે કહ્યું કે ભારત બંધ દરમિયાન દેશમાં હિંસા કેમ થઈ રહી છે. અનેક જગ્યાઓ પર બસોમાં તોડફોડ થઈ અને ટ્રેનો રોકવામાં આવી. તેમણે કહ્યું કે શું હિંસા દ્વારા દેસમાં રાજકારણ ખેલાશે.

અત્રે જણાવવાનું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે દેશમાં વધી રહેલા પેટ્રોલના ભાવોના મુદ્દે મોદી સરકારને ઘેરી. ભારત બંધનું આહ્વાન કરીને તેમણે દિલ્હીના રામલીલા મેદાનમાં ધરણા કર્યાં. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ જયાં જાય છે ત્યાં તોડવાનું કામ કરે છે. મોદી સરકારે યુવાઓને રોજગારી આપી નહીં. દેશભરમાં શૌચાલય બનાવડાયા પરંતુ ત્યાં પાણીની વ્યવસ્થા નથી. છેલ્લા ૭૦ વર્ષમાં રૂપિયો આટલો કયારેય ગગડ્યો નથી. પરંતુ આમ છતાં મોદીજી ચૂપ છે.

(4:34 pm IST)