Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

વધતી જતી કિંમતોને લઇને શિવ સેનાના આકરા પ્રહાર

શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રશ્નો ઉઠાવાયા : મુંબઈમાં સરકારની સામે પોસ્ટર અને હોર્ડિંગ્સ લગાવાયા

નવીદિલ્હી, તા. ૯ : દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોની સામે એકબાજુ વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર ઉપર તેજાબી પ્રહારો  કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ એનડીએના સાથી પક્ષ શિવસેનાએ પણ આકરા પ્રહારો કર્યા છે. સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં  સરકારની ટિકા કરી છે. શિવસેનાએ હવે મુંબઈના માર્ગો ઉપર કેન્દ્ર સરકારની સામે અનેક જગ્યા ઉપર હોર્ડિંગ લગાવ્યા છે. શિવસેનાએ આ પોસ્ટર અને હોર્ડિંગમાં પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોનો ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે સારા દિવસોને લઇને પ્રશ્નો પણ કર્યા છે. શિવસેના તરફથી મુંબઈના અનેક મુખ્ય શહેરોમાં મુકવામાં આવેલા પોસ્ટરમાં યુપીએ સરકારના સમયે પેટ્રોલ અને ડીઝલ તેમજ ગેસના મુદ્દા ઉપર કિંમતોનો ઉલ્લેખ કર્યો છે. શિવસેનાએ ૨૦૧૪ અને ૨૦૧૮માં પેટ્રોલ અને ડીઝલની કિંમતોનો ઉલ્લેખ કરતા સરકાર ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. શિવસેના અને શિવસેનાની યુવા પાંખ દ્વારા જારી આ પોસ્ટર અને હોર્ડિંગ્સને શહેરના મુખ્ય ચાર રસ્તા પર મુકવામાં આવ્યા છે. જાહેર સ્થળો ઉપર પણ આ પોસ્ટરો મુકવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના વધતા જતાં ભાવને લઇને સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે સાથી પક્ષો પણ મેદાનમાં આવી ગયા છે. આજે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધુ વધારો કરવામાં આવ્યો હતો.

મુંબઈમાં પેટ્રોલની કિંમત નવી રેકોર્ડ સપાટી ઉપર પહોંચી ગઈ છે. મુંબઈમાં સૌથી વધુ વધારો થઇ ચુક્યો છે. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં લોકો વધતી જતી કિંમતોને લઇને હવેપ્રશ્નો ઉઠાવી રહ્યા હોવાનો આક્ષેપ શિવસેના તરફથી કરવામાં આવ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતની વધતી કિંમતોની સામે વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર ઉપર હવે આકરા પ્રહાર કરી રહ્યા છે.

(7:40 pm IST)