Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સિક્કીમના તમામ રોકાણકારોના કેવાઈસી ફરી તપાસવા આદેશ

શેરમાર્કેટના ખેલાડીઓ દ્વારા સિક્કિમ રૃટનો દુરુપયોગ : કામગીરી ૧૫ સપ્ટેમ્બર-૨૨ની પહેલા પૂર્ણ કરવા નિર્દેશ

મુંબઇ, તા.૧૦ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) એ તેના તમામ મેમ્બરોને તેમના તમામ ક્લાયન્ટ્સ કે જેમણે પત્રવ્યવહાર અથવા કાયમી રહેઠાંણમાં સિક્કિમનું સરનામું આપ્યું છે તેવા તમામ ક્લાયન્ટ / કસ્ટમરોની નો-યોર કસ્ટમર (કેવાયસી)ના દસ્તાવેજોની ફેર ચકાસણી કરવા અને માહિતી આપવા આદેશ કરાયો છે. આ કામગીરી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ની પહેલા પૂર્ણ કરવા નિર્દેશ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, શેરમાર્કેટના ખેલાડીઓ દ્વારા સિક્કિમ રૃટના દુરુપયોગ પર નજર રાખવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. એનએસઇ સિક્કમના ક્લાયન્ટની ફેર ચકાસમણી કરવા માટે મેમ્બરોને લાયકાત ધરાવતા અને પ્રેક્ટિસ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટની સેવાઓનો ઉપયોગ કરવા અને અંતિમ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવા આદેશ કરાયો છે. સિક્કિમના રહેવાસીઓ જેઓ સબજેક્ટ સર્ટિફિકેટ ધરાવે છે અને તેમના વંશજોને સેબી દ્વારા ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન)ના નિયમમાંથી મુક્તિ અપાઇ છે. આવું એટલા માટે કારણ કે સિક્કિમ એ એક વિશેષ દરજ્જો ધરાવતું રાજ્ય છે, ત્યાં ઇક્નમટેક્સ એક્ટ નહીં પણ સ્થાનિક સિક્કિમ ટેક્સ મેન્યુઅલનો અમલ કરવામાં આવે છે.

સબજેક્ટ સર્ટિફિકેટ એવા વ્યક્તિને આપવામાં આવે છે કે જેઓ સિક્કિમ સબજેક્ટ રેગ્યુલેશન- ૧૯૬૧ની શરૃઆત થવાની પહેલાથી જ સિક્કિમમાં રહેઠાંણ ધરાવતા હોય, જે સમયે આ રાજ્ય ચોગ્યાલ રાજવંશ દ્વારા શાસિત એક નાનું રાજ્ય હતું.

ચાલુ વર્ષે એપ્રિલમાં સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ પવન ચામલિંગે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર રાજ્ય-આધારિત ટ્રેડરોના બજાર હિસ્સામાં તીવ્ર વધારો વિશે ચેતવણી આપી હતી.

તેમણે કહ્યુ કે, *...એવું જાણવા મળ્યું છે કે એમસીએક્સ પર સિક્કિમ સ્થિર ટ્રેડરોનો બજાર હિસ્સો વધીને ૫.૫ ટકા થઈ ગયો છે જ્યારે થોડાંક વર્ષો પહેલા તે શૂન્ય હતો. એમસીએક્સના કુલ ૧૧૦ અબજ ડોલરના વોલ્યૂમમાં સિક્કિમનો હિસ્સો ૬ અબજ ડોલર હતો. યુનિક ક્લાયંટ કોડ્સ (યુસીસી) ના આધારે સિક્કિમમાંથી માત્ર ૬૭૪ ટ્રેડરો હતા, જેની સંખ્યા હાલ વધીને ૨,૨૧૭ થઈ ગઇ છે. આમ સિક્કમના ટ્રેડરોની સંખ્યામાં ૪૦૦% વધારો છે,જે અત્યંત ચિંતાજનક છે.*

તેમણે આશંકા વ્યક્ત કરતા જણાવ્યુ કે, તેમાં કોઈ શંકા નથી કે ટ્રેડરો અબજો રૃપિયાની કમાણી કરવા માટે સિક્કિમની કરમુક્તિનો ખોટી રીતે ફાયદો ઉઠાવી રહ્યા છે.* આથી એનએસઇ એ તેના મેમ્બરોને સિક્કમનું સરનામું આપનાર ક્લાયન્ટના કેવાયસીનું ફરી વેરિફિકેશન કરીને તેની માહિતી આપવા આદેશ કર્યો છે.

 

 

(7:41 pm IST)