Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

૯૦ વર્ષીય વૃદ્ધાનો ફ્લેટ ખાલી કરવાનો પુત્ર-પુત્રવધૂને આદેશ

પતિના મૃત્યુ બાદ વૃદ્ધાનું જીવન નર્ક બની ગયું હતું : ઘરમાં તેમનો ૫૦ ટકા ભાગ હોવા છતાં તેઓ દીકરી અને જમાઈની સાથે રહેવા માટે મજબૂર : વૃદ્ધાનો આરોપ

મુંબઈ, તા.૧૦ : ૯૦ વર્ષના મહિલા કે જેમનું જીવન તેમના પતિના મૃત્યુ બાદ નર્ક જેવું બની ગયું હતું. તેઓ પોતાના જ ઘરમાં જતા ગભરાતા હતા, તેમણે આ મામલે કરેલી પોલીસ ફરિયાદ બાદ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટે આખરે ૬૦ વર્ષના દીકરાને નહીં પરંતુ માતાના દર્દને જાણીને તેમના પક્ષમાં ચૂકાદો સંભળાવ્યો છે. હવે તેમને પોતાના ઘરમાંથી કોઈ કાઢી શકશે નહીં. આ ઘટના મુંબઈની છે કે જ્યાં ૯૦ વર્ષના માતાને ન્યાય મળ્યો છે. મુંબઈની સેશન્સ કોર્ટે ૯૦ વર્ષના અરજદારના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં વૃદ્ધ મહિલાએ પોતાના દીકરા અને વહુ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. દીકરા અને વહુની ઉંમર લગભગ ૬૦ વર્ષની છે. સેશન્સ કોર્ટે પોતાના ચુકાદામાં આદેશ કર્યો કે ફ્લેટ નંબર ૫૦૧માં અરજદારે પોતાનું આખું જીવન તેમના પતિ અને બાળકો સાથે પસાર કર્યું છે. આ ઘર સાથે તેમની ભાવનાઓ જોડાયેલી છે, અને આવી પરિસ્થિઓમાં તેમને ઘરથી દૂર ના કરી શકાય.

વૃદ્ધ મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ઘરમાં તેમનો ૫૦ ટકા ભાગ હોવા છતાં તેઓ પોતાની દીકરી અને જમાઈની સાથે રહેવા માટે મજબૂર છે. વહુએ કોર્ટમાં એવો તર્ક રજૂ કર્યો હતો કે એક મહિલા હોવાના કારણે તેમને પોતાના ઘરમાંથી બેદખલ ના કરી શકાય. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે એક મહિલા હોવાથી તેમને ઘરેલુ હિંસાના કાયદા હેઠળ એવા કોઈ અધિકાર નથી કે તેઓ કોઈને ઘરની બહાર કાઢી શકે.

૨૦૧૧માં મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે તેમના પતિનું ૨૦૦૦માં મૃત્યું થયું હતું અને તેમની પાસે ફ્લેટનો ૫૦% ભાગ હતો. તેમના જણાવ્યા પ્રમાણે તેમના પતિના મૃત્યુ પછી તેમના દીકરા અને વહુના વ્યવહારમાં બદલાવ આવી ગયો હતો અને તેના લીધે તેમનું જીવન

નર્ક બની ગયું. તેમણે આગળ કહ્યું કે, તેઓ ઘરમાં ભાગ માગતા હતા માટે તેમના દીકરા અને વહુએ તેમને ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે શારીરિક હિંસા થયા પછી તેમણે પોલીસ ફરિયાદ કરવી પડી હતી.

૯૦ વર્ષના ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમનો દીકરો દારુડિયો છે. ૨૦૧૦માં તે કથિત રીતે એક દિવસ નશામાં ઘરે આવ્યો હતો. તેણે રૃમનો દરવાજો તોડી નાખ્યો અને તેમનું ગળું પકડી લીધું અને ધમકી આપી હતી કે જો તેમના નામે સંપત્તિ કરવાના કાગળ પર સહી નહીં કરે તો તેમનો દીકરો ગળું દબાવી દેશે. આ પછી તેઓ પોતાના જ ઘરમાં જતા ડરવા લાગ્યા. ૨૦૨૧માં મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને રાહત આપી હતી. આ પછી કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો કે તેઓ પોતાના મકાનમાં રહી શકે છે અને સામેવાળા પક્ષને જણાવ્યું હતું કે તેઓ ૨ મહિનામાં પોતાને દૂર કરીને તેમને (માતાને) કબજો સોંપી દે.

મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ દીકરા અને વહુએ એપ્રિલમાં સેશન્સ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમણે મહિલા દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો ઈનકાર કરીને દાવો કર્યો કે તેમણે (માતા) બહેનના કહેવાથી કેસ દાખલ કર્યો હતો જેમને ફ્લેટમાં ભાગ આપવામાં આવ્યો નથી.

 

 

(7:41 pm IST)