Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

હવે ગધેડીના દુધની ડેરી શરૂ કરાશેઃ 1 લીટર દુધનો ભાવ રૂપિયા 7000: શરીરની ઇમ્‍યુન સિસ્‍ટમ ઠીક કરવામાં ખુબ મોટી ભૂમિકા

નવી દિલ્હી: ભારતમાં અનેક દૂધાળા પશુઓનું પાલન કરવામાં આવે છે. જેમાં ગાય, ભેંસ કે બકરી સામેલ છે. આમ તો અત્યાર સુધી તમે મોટાભાગે ગાય, ભેંસ, બકરી કે વધુમાં વધુ ઊંટડીના દૂધનું સેવન કર્યું હશે કે સાંભળ્યું હશે. પરંતુ દેશમાં પહેલીવાર કઈંક એવું થવા જઈ રહ્યું છે કે જે તમને અચંબિત કરી મૂકશે. આજ સુધી તમે ગાય કે ભેંસના દૂધની ડેરી જોઈ હશે પરંતુ બહુ જલદી હવે ગધેડીના દૂધની પણ ડેરી ખુલવાની છે.

દેશમાં રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર (NRCE) હિસારમાં ગધેડીના દૂધની ડેરી ખુલવા જઈ રહી છે. NRCE હિસારમાં હલારી નસ્લની ગધેડીના દૂધની ડેરી ખુલવાની છે જેના માટે એનઆરસીઈએ 10 હલારી નસ્લની ગધેડીઓને પહેલેથી મંગાવી લીધી છે. હાલ તેનું બ્રિડિંગ થઈ રહ્યું છે.

ગધેડીને અત્યાર સુધી તમે મજાકનું પાત્ર સમજતા હતાં પરંતુ હવે તમારે ખરેખર તમારા વિચાર બદલવાની જરૂર છે. કારણ કે ગધેડીનું દૂધ માણસો માટે ખુબ ફાયદાકારક હોય છે આ ઉપરાંત તે શરીરની ઈમ્યુન સિસ્ટમ ઠીક કરવામાં પણ ખુબ મોટી ભૂમિકા ભજવે છે.

હલારી નસ્લની ખાસિયત

આ પ્રજાતિ ગુજરાતમાં મળી આવે છે. જેના દૂધને દવાનો ખજાનો ગણવામાં આવે છે. હલારી પ્રજાતિની ગધેડીમાં કેન્સર, મોટાપો, એલર્જી જેવી બીમારીઓ સામે લડવાની પુષ્કળ ક્ષમતા હોય છે.

બાળકોને ગધેડીના દૂધથી નથી થતી એલર્જી

અનેકવાર ગાય કે ભેંસના દૂધથી નાના બાળકોને એલર્જી થાય છે પરંતુ હલારી પ્રજાતિની ગધેડીના દૂધથી ક્યારેય એલર્જી થતી નથી. ગધેડીના દૂધમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી એજિંગ તત્વો ખુબ મળી આવે છે. જ્યારે દૂધમાં ફેટનું પ્રમાણ નહિવત હોય છે. ગધેડીના દૂધ પર રિસર્ચનું કામ NRCE ના પૂર્વ ડાઈરેક્ટર ડોક્ટર બી એન ત્રિપાઠીએ શરૂ કરાવ્યું હતું.

એક લીટર દૂધની કિંમત 7 હજાર રૂપિયા

બ્રિડિંગ બાદ ડેરીનું કામ જલદી શરૂ થઈ જશે. ગધેડીનું દૂધ બજારમાં 2000 રૂપિયાથી લઈને 7000 રૂપિયા પ્રતિ લિટર સુધીમાં વેચાય છે. તેનાથી બ્યૂટી પ્રોડક્ટ્સ પણ બને છે. જે ખુબ મોંઘી હોય છે. ગધેડીના દૂધનો ઉપયોગ સાબુ, લિપ બામ, બોડી લોશન બનાવવા માટે થાય છે.

ડેરી શરૂ કરવા માટે NRCE હિસારના કેન્દ્રીય ભેંસ અનુસંધાન કેન્દ્ર અને કરનાલના નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોની પણ મદદ લેવાઈ રહી છે.

(4:44 pm IST)