Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ટિકટોક અને ટ્વિટર વચ્ચે ડીલ માટે મંત્રણા શરૂ

ટિકટોકનું ટ્વિટરમાં મર્જર થઇ શકે છે

ન્યુયોર્ક તા. ૧૦ : અમેરિકામાં પ્રતિબંધથી બચવા માટે TikTok સોશિયલ મીડિયા દિગ્ગજ Twitter સાથે મર્જરની તૈયારી કરી રહ્યું છે. એટલે કે આવનારા સમયમાં ટ્વિટર ટિકટોકને ખરીદી શકે છે. અમેરિકાના શેર માર્કેટમાં એવી ખબરો ચાલી રહી છે કે બેનથી બચવા માટે ટિકટોકનું ટ્વિટરમાં મર્જર થઈ શકે છે. ચીની કંપની બાઈટડાન્સની માઈક્રો વિડીયો એપ ટિકટોક પર ભારતમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ પહેલા ખબર આવી હતી કે માઈક્રોસોફટ ટિકટોકને ખરીદી શકે છે. હવે ખબરો એવી આવી રહી છે કે ટ્વિટર ટિકટોકના વેપારને પોતાની સાથે મર્જ કરી શકે છે. અમેરિકાએ ટિકટોકને રાષ્ટ્રીય ખતરો ગણાવ્યો છે.

ખબરો એવી પણ આવી રહી છે કે ટ્વિટરે ચીની એપ ટિકટોકને અમેરિકાના ઓપરેશનને ખરીદવા માટે તેની માલિકીનો હક ધરાવતી કંપની બાઈટડાન્સ સાથે સંપર્ક કર્યો છે. તજજ્ઞોએ ટ્વિટરની નાણાકિય સ્થિતિને લઈને સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે એ વાતની આશા ઓછી છે કે આ સોદા માટે તે પુરતી રકમ એકઠી કરી શકે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવી પણ ચર્ચા છે કે ટ્વિટર શેરધારકોમાં એક ખાનગી ઈકિવટી ફર્મ સિલ્વર લેકે બાઈટડાન્સ સાથે સોદો પૂરો પાડવા માટે મદદની રજૂઆત કરી છે. મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર એરિક ગાર્ડને કહ્યું છે કે ટ્વિટર પાસે ટિકટોકના અમેરિકાના વેપારને ખરીદવા માટે પૂરતા પ્રમાણમાં ભંડોળ નથી. તેમણે એમ પણ કહ્યું કે, જો ભંડોળ એકઠું પણ થઈ જશે તો ફંડ આપનારી કંપનીઓ કડક શરતો મૂકશે. એવામાં એવી સંભાવના વધુ છે કે ટ્વિટર શેરધારક મેનેજમેન્ટ હાલના વેપાર પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે કહે.

ટિકટોકના સંભવિત ખરીદારોના લિસ્ટમાં સૌથી આગળ માઈક્રોસોફટ કોર્પોરેશનનું નામ ચાલે છે. પાછલા કેટલાક અઠવાડિયાથી માઈક્રોસોફટ અને ટિકટોક વચ્ચે અમેરિકાના વેપારની સીધી ડીલને લઈને વાતચીત ચાલી રહી છે. ડીલ વિશે માઈક્રોસોફટના સીઈઓ સત્ય નડેલાએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કેટલાક અઠવાડિયા પહેલા વાત કરીશું.

(3:31 pm IST)