Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

બાંગ્લાદેશ અને ભારત વચ્ચે લોહીના સબંધ : બાંગ્લાદેશ અને ચીન વચ્ચે આર્થિક નાતો : બાંગ્લાદેશના વિદેશમંત્રી એ.કે.અબ્દુલ મોમીનની સ્પષ્ટતા

ઢાકા : બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ.કે.અબ્દુલ મોમીનએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે લોહીના સબંધ છે.જયારે બાંગ્લાદેશ અને ચીન વચ્ચે આર્થિક નાતો છે.બંને અલગ વસ્તુ છે.ભારત અને બાંગ્લાદેશના સંબંધોની કોઈની સાથે સરખામણી થઇ શકે નહીં.આ સબંધો અતૂટ અને ઐતિહાસિક હોવાનું તેઓએ જણાવ્યું હતું.

1971 ની સાલમાં બાંગ્લાદેશ પાકિસ્તાનની ચુંગાલમાંથી મુક્ત થયું તે સમયના આઝાદીના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમમાં તેઓએ ઉપરોક્ત વાત જણાવી હતી.
મોમિનનું કહેવુ હતું કે વિશ્વએ આ સંબંધોને એક જ દ્રષ્ટિકોણથી જોવો ન જોઇએ, કારણ કે ભારત સાથે બાંગ્લાદેશના સંબંધ ઐતિહાસિક અને પહાડ જેવા મજબૂત છે, આ સંબંધ લોહીનો સંબંધ છે. જ્યારે ચીન સાથે બાંગ્લાદેશના આર્થિક સંબંધ છે. તેમણે જણાવ્યુ કે અમારી જીત ભારતની જીત છે. અમારો વિકાસ ભારતનો વિકાસ છે. આ સંબંધને કોઇપણ બાબત નુકસાન કરી શકે એમ નથી.
બાંગ્લાદેશના વિદેશ મંત્રીનું કહેવુ હતુ કે, બંને દેશો આવતા વર્ષે બાંગ્લાદેશની આઝાદીનું 50મી જંયતી ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. તેમના મુજબ ભારત-બાંગ્લાદેશે જળ વિવાદ મુદ્દે વાતચીતને આગળ વધારી છે અને ભૂમિ તથા દરિયાઇ સરહદો જેવા મુદ્દાઓનો ઉકેલ પણ લાવી દીધો છે.
જોકે બાંગ્લાદેશે ભારત-ચીન વચ્ચે વધી રહેલા તણાવને મુદ્દે કોઇ પણ ટિપ્પણી કે મંતવ્ય આપવાથી મો ફેરવ્યુ હતું. બાંગ્લાદેશનું માનવુ છે કે આ મુદ્દો ભારત-ચીનનો છે.

(11:49 am IST)