Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

યુપીમાં મૂર્તિઓ બનાવવાની હોડ : બ્રાહ્મણ મતનું ગણિત

સપાથી પણ ભવ્ય પરશુરામજીની મુર્તિ બનાવવા બસપાના માયાવતીએ કરી જાહેરાત : કોંગ્રેસે 'બ્રાહ્મણ ચેતના સંવાદ' શરૂ કર્યો

લખનઉ તા. ૧૦ : ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ મતો પર રાજકારણ ગરમાયુ છે. ખાસ કરીને મુર્તિઓ બનાવવા હોડ જામી છે. બ્રાહ્મણ મતો મેળવવા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પરશુરામ ભગવાનની ૧૦૮ ફુટ ઉંચી મૂર્તિ મુકવાની કરેલ જાહેરાતના પગલે બસપા સુપ્રિમો માયાવતીજીએ પણ સપા કરતા પણ ભવ્ય મુર્તિ બનાવવાનો નિરધાર વ્યકત કર્યો છે.

જો કે ભાજપ સાંસદ સુબ્રત પાઠકે સપાના અખિલેશ યાદવને ટકોર કરતા જણાવ્યુ છે કે એ સારૂ રહેશે કે અખિલેશજી આપણા મહાપુરૂષો અને ભગવાનને જાતિઓમાં ન વહેંચે.

રવિવારે શાંતિ રહી અને બાદમાં અચાનક બસપા સુપ્રિમો માયાવતીએ પણ જાહેર કર્યુ કે જો બસપાની સરકાર બનશે તો સપાની સરખામણીમાં વધુ ભવ્ય પરશુરામજીની મુર્તિ લગાવવામાં આવશે. તેમણે સમાજવાદી પાર્ટી પર નિશાન તાકતા એવુ પણ કહ્યુ  કે જો સપાને મુર્તિ મુકાવવી  હોત તો તેમના શાસન દરમિયાન જ મુકાવી દીધી હોત. પરંતુ બસપા સપાને જેમ માત્ર વાતો કરીને નહીં કઇક કરીને દેખાડી દેશે તેવું તેમણે દ્રઢોચ્ચાર સાથે જણાવ્યુ.

કોંગ્રેસ પણ બ્રાહ્મણ મતો મેળવવા ઘેલી થઇ હોય તેમ ભાજપના મજબુત બ્રાહ્મણ મતો અંકે કરવા પ્રયત્નશીલ બની છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતીનપ્રસાદે 'બ્રાહ્મણ ચેતના સંવાદ' ની શરૂ આત કરી છે.

યુપીની વસ્તી અંદાજે ૨૨ કરોડની છે. તેમાં ૧૧% બ્રાહ્મણો છે. એટલે ૨૦૨૨ ની ચુંટણીને લઇને બ્રાહ્મણ મતો માટે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

(11:48 am IST)