Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

વિશ્વમાં ઓગસ્ટમાં આવેલ કોરોનાના કેસોના ૨૫ ટકા કેસ માત્ર ભારતમાં નોંધાયા

ભારતમાં વધતા કોરોના દર્દીઓએ લોકોની ચિંતા વધારી દીધી

નવી દિલ્હી તા. ૧૦ : સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. રવિવારે ભારતમાં કોરોના વાયરસનાં કુલ કેસનો આંક ૨૧ લાખને પાર પહોંચી ગયો છે. ત્યારે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનાં ૨૧,૫૩,૦૧૧ કેસ નોંધાયા છે, જેમા ૬,૨૮,૭૪૭ કેસ સક્રિય છે જયારે ૧૪,૮૦,૮૮૫ લોકો ચેપ મુકત થયા છે. વળી કોરોનાથી ૪૩,૩૭૯ લોકો મૃત્યુ પામ્યા છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન, કોરોનાનાં ૬૪, ૩૯૯ નવા કેસ નોંધાયા છે અને ૮૬૧ લોકોનાં મોત નીપજયાં છે. આ એક દિવસમાં કોરોનાનાં કેસોમાં સૌથી મોટો ઉછાળો છે. ભારતમાં વધતા કોરોના દર્દીઓએ લોકોની ચિંતા વધારી દીધી છે, આપને જાણીને આશ્યર્ય થશે કે ભારત ઓગસ્ટનાં મહિનામાં સૌથી મોટા કોરોના હોટસ્પોટનાં રૂપમાં સામે આવ્યુ છે. ઓગસ્ટ મહિનાનાં પહેલા અઠવાડિયામાં દુનિયામાં આવેલા કોરોનાનાં નવા કેસોમાં લગભગ ૨૫ ટકા કેસ માત્ર ભારતમાંથી જ સામે આવ્યા છે. ૧ થી ૮ ઓગસ્ટ સુધીમાં દુનિયામાં ૨૦ લાખથી વધુ કોરોનાનાં કેસો સામે આવ્યા છે. જેમા ૪.૫૫ લાખ કેસ ભારતમાં છે, જેને દરરોજ ૫૭ હજાર કેસ ગણી શકાય છે.

સંક્રમણનાં કિસ્સામાં અમેરિકા પ્રથમ ક્રમે છે, બ્રાઝીલ બીજા ક્રમે છે અને ભારત ત્રીજા સ્થાને છે, પરંતુ ઓગસ્ટમાં નવા કેસોની વાત કરીએ તો ભારતમાં દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો નોંધાયો છે. ઓગસ્ટમાં ભારતમાં લગભગ ૨૫ ટકા નવા કેસ નોંધાયા છે. અને જો પરિસ્થિતિ યથાવત રહેશે તો ભારત બ્રાઝિલને પાછળ પણ છોડી શકે છે. જણાવી દઇએ કે, યુએસએમાં અત્યાર સુધીનાં આંકડા મુજબ, ૫૧.૪૯ લાખ, બ્રાઝિલમાં ૩૦.૧૩ લાખ અને ભારતમાં ૨૧.૫૨ લાખ કેસ છે.

(11:45 am IST)