Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ભગવાન રામ પછી હવે ભગવાન બુદ્ધના જન્મસ્થળ અંગે પણ વિવાદ : ભગવાન બુદ્ધનો જન્મ નેપાળમાં થયો હતો : પડોશી દેશ નેપાળે નવો વિવાદ છેડ્યો

કાઠમંડુ : ભગવાન રામનો જન્મ નેપાળમાં થયો હતો તેવું નિવેદન આપ્યા પછી હવે આ પડોશી દેશના પ્રાઈમ મિનિસ્ટરે નવો વિવાદ છેડ્યો છે.જે મુજબ ભગવાન બુદ્ધનો જન્મ નેપાળમાં થયો હતો.
ભારતીય વિદેશ મંત્રી ડો. એસ જયશંકર દ્વારા ભગવાન ગૌતમ બુદ્ધને ભારતીય કહેવા પર સખત તેઓએ  નારાજગી વ્યક્ત કરી છે એટલું જ નહીં પરંતુ તેમણે ભગવાન બુદ્ધને પણ નેપાળના ગણાવ્યા છે. નેપાળના કેટલાક રાજકીય નેતાઓએ પણ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદનનો વિરોધ કર્યો છે. તાજેતરમાં જ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભગવાન રામની અયોધ્યા નેપાળના બીરગંજ પાસે હોવાનો દાવો કર્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, એમાં કોઈ શક નથી કે ભગવાન બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો.
ભારતીય વિદેશમંત્રી ડો. એસ જયશંકરે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ના ઈન્ડિયા@75 શિખર સમ્મેલનને સંબોધતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને ભગવાન બુદ્ધ બે એવા ભારતીય મહાપુરૂષો છે જેમને દુનિયા હંમેશા યાદ રાખે છે. તેમણે સવાલ કર્યો હતો કે અત્યાર સુધીમાં સૌથી મહાન ભારતીય કોણ છે જેને તમે યાદ રાખી શકો છો? હું કહીશે કે એક ગૌતમ બુદ્ધ છે અને બીજા મહાત્મા ગાંધી છે. આ નિવેદન પર નેપાળે વાંધો વ્યક્ત કરતા સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઐતિહાસિક અને પૌરાણિક તથ્યોથી એ પુરવાર થાય છે કે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો. લુંબિની બુદ્ધ અને બુદ્ધિઝમનું જન્મસ્થળ છે અને યુનેસ્કોએ પણ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરી છે. 2014માં નેપાળ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેપાળની સંસદને સંબોધતા જણાવ્યું હતું કે નેપાળ એ દેશ છે જ્યાં વિશ્વમાં શાંતિનો ઉદ્ઘોષ થયો અન બુદ્ધનો જન્મ થયો હતો.
ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળના વાંધા અંગે જવાબ આપતા જણાવ્યું કે સીઆઈઆઈના કાર્યક્રમમાં મંત્રી એસ જયશંકરે કરેલી ટિપ્પણીનો ઉલ્લેખ અમારી બૌદ્ધ વિરાસતના સંદર્ભમાં હતો. બુદ્ધનો જન્મ નેપાળમાં રહેલા લુંબિનીમાં થયો છે તેમાં કોઈ શંકા નથી.

(11:36 am IST)