Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

દિવાળી સુધીમાં સોનાનો ભાવ રૂ. ૭૦,૦૦૦ થવાના એંધાણ

સોના - ચાંદીમાં ભભૂકતી તેજી : બંનેના ભાવ ઓલટાઇમ હાઇ : નિષ્ણાતોના મતે કોવિડ-૧૯નું સંકટ પુરૂ થાય તો પણ અર્થતંત્ર દોડતુ થવાની શકયતા નથી તેથી સોનામાં તેજી ચાલુ રહેશે

નવી દિલ્હી તા. ૧૦ : સોનાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના રોકાણકારો માલામાલ થઇ ગયા છે. કેટલાક જાણકારોનું માનવું છે કે દિવાળી સુધીમાં સોનુ રૂ. ૭૦,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થઇ જશે.

શુક્રવારે પાટનગર દિલ્હીમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૫૭૦૦૦ ઉપર ચાલ્યો ગયો હતો. એચડી એફસી સિકયુરીટીઝના કહેવા મુજબ સોનામાં સતત ૧૬માં દિવસે તેજી આવી છે. અનેક એકસપર્ટનું માનવું છે કે દિવાળી સુધીમાં સોનાનો ભાવ ૧૦ ગ્રામના રૂ. ૭૦,૦૦૦ થઇ જશે.

જેપી મોર્ગનના એક રિપોર્ટ અનુસાર સોનાનો ભાવ આવતા બે મહિનામાં ૧૦ ગ્રામના રૂ. ૭૦,૦૦૦ થઇ શકે છે. જાણકારોનું કહેવું છે કે કોવિડ-૧૯નું સંકટ પુરૃં થઇ ગયા બાદ પણ વૈશ્વિક અર્થવ્યવસ્થા હજુ એટલી ઝડપથી સુધરવાની નથી. આવી સ્થિતિમાં જ્યારે આર્થિક સંકટ બની રહેશે, સોનાની માંગ સતત વધતી રહેશે અને તે મોંઘુ થતું રહેશે.

સોનાની સાથે ચાંદી પણ સતત ઉંચાઇએ પહોંચી રહી છે. ચાંદીનો ભાવ શુક્રવારે રૂ. ૫૭૬ પ્રતિ કિલો વધી ૭૭૮૪૦ પ્રતિ કિલો થયો હતો. ૨૪ કેરેટ સોનું શુક્રવારે ૫૭૦૦૮ રૂ. પ્રતિ ૧૦ ગ્રામ હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ ૨૦૬૨ ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી ૨૮.૩૬ ડોલર પ્રતિ ઔંશના રેટ પર ટ્રેડ કરી રહ્યા છે.

મોતીલાલ ઓસ્વાલ ફાય. સર્વિસના વાઇસ પ્રેસીડેન્ટ નવનીત દમાની કહે છે કે બંને ધાતુ ઓલ ટાઇમ હાઇ પર છે બંને ધાતુ નવ આંકડા સાથે છલાંગ લગાવે છે હજુ તેમાં શકયતા રહેલી છે. એટલે કે સોના કે ચાંદીમાં રોકાણ કરનારા નિરાશ નહિ થાય. જો અત્યારે કોઇ રોકાણ કરે અને હકીકતે દિવાળી સુધીમાં સોનુ ૭૦,૦૦૦ થાય તો તેને ૨૨ ટકા રિટર્ન મળી શકે છે.  ચાંદીના ભાવ પણ ૭૭૦૦૦ પાર કરી ઝડપથી ૮૦,૦૦૦ તરફ થઇ રહ્યો છે.

(11:08 am IST)