Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

અયોધ્યા રામ મંદિર માટે તૈયાર થઇ રહ્યો છે ૨૧૦૦ કિલોગ્રામ વજનનો ઘંટ

આ ઘંટનું નિર્માણ અષ્ટધાતુથી કરવામાં આવી રહ્યું છે તેમાં સોનુ, ચાંદી, કોપર, ઝિંક, લેડ, ટીન, લોખંડ અને પારાનો ઉપયોગ થઇ રહ્યો છે

જલેસર તા. ૧૦ : દાઉ દયાલ નામના વ્યકિત ૩૦ કરતા વધારે વર્ષથી વિવિધ આકાર-પ્રકારના ઘંટ બનાવે છે. પણ, આ વખતે તેમણે પોતાની ટીમ સાથે મળીને અયોધ્યાના રામ મંદિર માટે ૨૧૦૦ કિલોગ્રામના વજનનો ઘંટ બનાવીને ઉત્તરપ્રદેશના જલેસર નગરના તમામ લોકોને ચોંકાવી દીધા છે. રસપ્રદ વાત એ છે કે જે વ્યકિતએ તેની ડિઝાઈન તૈયાર કરી છે તે એક મુસ્લિમ કારીગર છે કે જેમનું નામ ઈકબાલ મિસ્ત્રી છે. દયાલે જણાવ્યું કે આપણા મુસ્લિમ ભાઈઓ ડિઝાઈનિંગ અને પોલિશિંગના કામમાં કુશળતા ધરાવે છે. તેમણે જણાવ્યું કે આવું પહેલી વખત છે કે જયારે તેમણે આ પ્રકારના આકાર ધરાવતા ઘંટ પર કામ કર્યું છે.

પોતાની ઉપલબ્ધિ પર ખુશી વ્યકત કરતા ૫૬ વર્ષીય મિસ્ત્રીએ કહ્યું કે માત્ર એક ટુકડામાંથી ઉપરથી નીચે સુધીનો આ ઘંટ તૈયાર કરાયો છે. તેમાં અલગ-અલગ ટુકડા જોડવામાં આવ્યા નથી. માટે આ કામ ખૂબ મુશ્કેલ હતું. ઘંટનું નિર્માણ અષ્ટધાતુથી કરવામા આવી રહ્યું છે. તેમાં સોનુ, ચાંદી, કોપર, ઝિંક, લેડ, ટીન, લોખંડ અને પારાનો ઉપયોગ થઇ રહ્યો છે. ૨૫ લોકોની ટીમ એક મહિનાથી લગભગ દેશના સૌથી મોટા ઘંટ પૈકી એકના નિર્માણમાં જોડાયેલી છે.

દેશના સૌથી મોટા ઘંટ પૈકીના એક એવા આ ઘંટને બનાવવા માટે ૨૫ કારીગરોની ટીમે મહેનત કરી છે કે જેમાં હિન્દુ અને મુસ્લિમ કારીગરો હતા. તેમણે સતત એક મહિના સુધી દરરોજ ૮ કલાક કામ કર્યું. આ પહેલા તેમણે ૧૦૧ કિલોગ્રામ વજનનો ઘંટ બનાવ્યો હતો કે જેનો ઉપયોગ ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાં કરવામાં આવ્યો.

(10:10 am IST)