Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ચેતજો, માનજો-સમજજો-વિચારજો...સરકાર અને તંત્રોની વાતને ગંભીર ગણજોઃ કારણ વગર બહાર ન નીકળજો

કોરોના રઘવાયોઃ બે દિ'માં ૨૭ના મોત

સિવિલ હોસ્પિટલમાં ૨૪ના અને ખાનગી હોસ્પિટલમાં ૩ દર્દીના મૃત્યુ થતાં સ્વજનોમાં કલ્પાંતઃ રોજબરોજ વધી રહેલા મૃત્યુઆંકથી અરેરાટી-ફફડાટ

રાજકોટ તા. ૧૦: કોરોના મહામારીએ રાજકોટમાં દરરોજ ભોગ લેવાનું યથાવત રાખ્યું છે. રાજકોટમાં જાણે આ રોગ રઘવાયો થઇ મંડી પડ્યો છે. રવિવાર અને સોમવાર એમ બે દિવસમાં સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં ટપોટપ ૨૭ દર્દીઓના મોત નિપજતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો છે અને સારવાર હેઠળ રહેલા દર્દીઓના સ્વજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ગયા અઠવાડીએ સાત દિવસમાં અધધધ ૮૩ દર્દીઓના મોત સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં નિપજ્યા હતાં. નવા અઠવાડીયાના પ્રારંભે જ બે દિવસમાં બાવીસ દર્દીઓ કોરોનાનો કોળીયો થઇ ગયા છે. જે ૨૭ મોત થયા છે તેમાં ૨૪ સિવિલ હોસ્પિટલના અને ૩ ખાનગી હોસ્પિટલના દર્દીઓનો સમાવેશ થાય છે.

જે દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે તેમાં  રાજકોટ બજરંગવાડીના શાહીનબેન નમીરાભાઇ બેલીમ, ગ્રીનલેન્ડ ચોકડી હરસિધ્ધી પાર્કના પરેશભાઇ ધીરૂભાઇ સુદાણી (ઉ.વ.૪૩), ગોૈતમનગરના રાજેન્દ્રભાઇ વલ્લભભાઇ રંગપરીયા (ઉ.વ.૬૪), નાના મવાના હંસાબા બલભદ્રસિંહ જાડેજા (ઉ.વ.૬૫), સદ્દગુરૂ તિર્થધામના રતિલાલ લીલાધરભાઇ નથવાણી (ઉ.વ.૮૦-રિપોર્ટ બાકી), શ્રીનાથજી સોસાયટી-૧૩ના મુળજીભાઇ ગોકળભાઇ સાપરા (ઉ.વ.૬૯), ચંદ્રેશનગરના જયંતિલાલ ગોવિંદભાઇ વરસાણીયા (ઉ.વ.૭૨), રામાપીર ચોકડીના પ્રફુલચંદ્ર જીવનલાલ વોરા (ઉ.વ.૭૪), છોટુનગરના રતિલાલ નટવરલાલ સોલંકી (ઉ.વ.૭૭), નાના મવા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેના બિપીનભાઇ જમનાદાસ ભાલોડીયા (ઉ.વ.૫૦), બજરંગવાડી રાજીવનગરના અહેમદહુશેન ઇબ્રાહીમભાઇ સૈયદ (ઉ.વ.૫૮-રિપોર્ટ બાકી), રાજકોટના રામજીભાઇ માધવજીભાઇ ઠાકોર (ઉ.વ.૬૨), રાજકોટ કાલાવડ રોડના વિજ્યાબેન જયરામભાઇ અજુડીયા (ઉ.વ.૬૫),કેવડાવાડીના ઇશ્વરભાઇ હરિલાલ સોની (ઉ.વ.૬૫), ગોંડલના પ્રવિણભાઇ શાંતિભાઇ જડીયા (ઉ.વ.૬૯), પોરબંદરના દિલાવરભાઇ હુશેનભાઇ કાદરી (ઉ.વ.૫૨), સુત્રાપાડાના સ્વરૂપસિંહ પરબતભાઇ વાળા (ઉ.વ.૭૨), ધોરાજીના જસવંતરાય અમૃતલાલ વઢવાણા (ઉ.વ.૭૪), પડધરી નાના ખીજડીયાના લાલજીભાઇ ગોકળભાઇ કણજારીયા (ઉ.વ.૮૫-રિપોર્ટ બાકી), પાટી સુરેન્દ્રનગરના નૈનશભાઇ જીવનલાલ ઠાકર (ઉ.વ.૫૫), ધ્રાંગધ્રાના વિનાયકભાઇ શિવપ્રસાદભાઇ (ઉ.વ.૬૫) અને જાયવા ધ્રોલના વિનોદભાઇ હંસરાજભાઇ મુંગરા (ઉ.વ.૩૬)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સવારથી બપોર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં વધુ પાંચ દર્દીઓના મોત થયા છે. જેમાં જંગલેશ્વરના મહમદભાઇ મીઠાભાઇ માંગળીયા (ઉ.વ.૭૦), જુનાગઢ વણઝારી ચોકના ગિરીશકુમાર હરિલાલ પોપટ (ઉ.વ.૬૦), રૈયા રોડ દર્શન પાર્કના અનિલભાઇ નાથાલાલ ખંધેડીયા (ઉ.વ.૭૦), શિવશકિત શેરી નં. ૧૧ પોરબંદરના દિનેશભાઇ પ્રેમજીભાઇ માલમ (ઉ.વ.૬૬) તથા સદર બજાર મોટી ટાંકી પાસે રહેતાં મંગળભાઇ સોમનાથભાઇ પટેલ (ઉ.વ.૭૫)નો સમાવેશ થાય છે.

આ ૨૭ દર્દીઓમાંથી ૨૪ સિવિલ હોસ્પિટલમાં અને ૩ ખાનગી હોસ્પિટલમાં કોવિડ-૧૯ની સારવાર હેઠળ હતાં. તમામના મૃતદેહો અંતિમવિધી, દફનવિધી માટે ફાયર બ્રિગેડની ટીમોને સોંપવામાં આવતાં બે દિવસ આ કોરોના વોરિયર્સ ટીમો સતત દોડતી રહી હતી.

(10:33 pm IST)