Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ઝાડ પડ્યા-લોકો ફસાયા-કાર ફસાઇ-મકાનમાં આગ

રાજકોટમાં સવાર સુધીમાં ૮ ઇંચ જેટલો વરસાદ વરસી ગયોઃ વહેલી સવારે ભારે પવન પણ ફૂંકાયોઃ જનજીવન અસ્તવ્યસ્તઃ ફાયર બ્રિગેડ તંત્ર સતત દોડતું રહ્યું: બેડીપરા મનહરપરામાં મકાનમાં આગઃ રેસકોર્ષ રીંગ રોડ, શારદા બાગ ધરમ સિનેમા પાસ, જંકશન પ્લોટ, વાણીયાવાડી, પંચાયત ચોક, ગોપાલનગર, ગાંધીગ્રામમાં ઝાડ પડ્યાઃ અંબિકા ટાઉન શીપ પાસે કાર ફસાઇઃ લલુડી વોંકળીમાં ઘરમાં ફસાયેલા બે વ્યકિતને બચાવાયા

વરસાદ, પવન સામે ઝીંક ન ઝીલી શકયા...અનેક ઝાડવા જમીનદોસ્ત: ગઇકાલ સાંજથી શરૂ થયેલા વરસાદને કારણે ઠેેકઠેકાણે પાણી ભરાયા હતાં તો અનેક વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસ્યા હતાં. આજે સવારે પણ વરસાદ અવિરત વરસી રહ્યો હોઇ અનેક ઠેકાણે મજબૂત મુળીયાવાળા ઝાડવા પણ વરસાદ-પવન સામે ઝીંક ન ઝીલી શકતાં જમીનદોસ્ત થઇ ગયા હતાં. સવારના નવ વાગ્યા સુધીમાં ડઝનથી વધુ સ્થળોએ ઝાડવા તૂટી પડ્યાની ફરિયાદો ફાયર બ્રિગેડની મળી ચુકી હતી. ફાયર બ્રિગેડની ટૂકડીઓએ પોલીસ, પીજીવીસીએલ તંત્રની મદદ લઇ તૂટેલા ઝાડવા દૂર કરવાની અને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી કરી હતી. તસ્વીરોમાં તૂટેલા ઝાડવા અને તેને હટાવવાની કામગીરી જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦: શહેરમાં ગઇકાલ  સાંજના ચારેક વાગ્યાથી શરૂ થયેલો વરસાદ કયાંક ધોધમાર તો કયાંક ધીમીધારે વરસ્યો હતો. રાત્રીથી સવાર સુધી ફરીથી ધમધોકાર વરસાદ ચાલુ રહેતાં રાજકોટમાં સવાર સુધીમાં ૮ ઇંચ વરસાદ વરસી ગયો છે. આ કારણે અનેક ઠેકાણે પાણી ભરાયા હતાં અને લોકો ફસાયા હતાં. વરસાદની સાથે આજે વહેલી સવારે ભારે પવન પણ ફૂંકાતા અનેક ઠેકાણે ઝાડવા જમીનદોસ્ત થઇ ગયા હતાં. ફાયર બ્રિગેડ તંત્ર અને પોલીસ તંત્રની ટીમો સતત એલર્ટ રહી લોકોની મદદ માટે દોડતી રહી હતી.  ઝાડ પડી ગયાની, લોકો ફસાયાની, કાર ફસાયાની તેમજ આગ લાગ્યાની ફરિયાદોને પગલે ફાયર બ્રિગેડની ટીમોને તાકીદે પહોંચી ઝાડ દૂર કરી રસ્તા ખુલ્લા કરાવવાની અને ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરી હતી. જે આજ સવારના સાડા આઠ સુધી યથાવત રહી હતી.

ફાયર બ્રિગેડ સુત્રોના જણાવ્યા મુજબ રાત્રીના ભાવનગર રોડ પર મનહરપરામાં એક મકાનમાં વરસતા વરસાદે આગ ભભૂકી ઉઠતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને આગ કાબુમાં લીધી હતી. વરસાદમાં શોર્ટ સરકિટ થવાને કારણે આગ લાગ્યાનું તારણ નીકળ્યું છે. આ ઘટના રાત્રીના એકાદ વાગ્યા આસપાસ બની હતી. ઘરવખરીને નુકસાન થયું હતું. એ સિવાય જાનહાની થઇ નહોતી.

રાત્રીથી સવાર સુધી ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમના ફોન સતત રણકતા રહ્યા હતાં. પાણી ભરાયાની અનેક ફરિયાદો આવી હતી. તે સાથે જ ટીમોએ જે તે સ્થળે પહોંચી લોકોને પરેશાનીમાંથી બહાર કાઢવાની કામગીરી કરી હતી. રેસકોર્ષ રીંગ રોડ પર પોલીસ કમિશનર કચેરીથી આગળ ઝાડ પડી જતાં રસ્તો બંધ થઇ ગયો હતો. ફાયર બ્રિગેડ ટૂકડીએ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આ ઉપરાંત શારદા બાગ નજીક એક ઝાડ પડી ગયું હતું. વાણીયાવાડી ૪/૬ના ખુણે પણ ઝાડ તૂટી પડ્યું હતું.

આ ઉપરાંત વહેલી સવારે સાડા ચારેક વાગ્યે લલૂડી વોંકળી વિસ્તારમાં અનેક મકાનોમાં પાણી ઘુસી જતાં દોડધામ મચી ગઇ હતી અને જનજીવનને ભારે અસર થઇ હતી. એક મકાનમાં બે વ્યકિત પાણી વચ્ચે ફસાઇ જતાં ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયુ કરીને બંનેને હેમખેમ બચાવી લીધા હતાં. આ ઉપરાંત અંબિકા ટાઉનશીપ પાસે બાપા સિતારામ ચોકમાં એક કાર ફસાઇ ગઇ હતી. આ ઉપરાંત પુનિતનગર પાણીના ટાંકા પાસે વાવડી ગામ તરફના રસ્તા પર ઇકો કાર ફસાઇ ગઇ હતી. જેમાં ત્રણેક લોકો પણ બેઠા હતાં. આ કાર અને માણસોને બચાવી લેવામાં આવ્યા હતાં. ફાયર બ્રિગેડની બચાવ ટૂકડીએ તાકીદે પહોંચી જઇ ચાલક અને કારને બચાવી લીધા હતાં.

મવડી ચોકડી રાધે હોટેલ પાસેના વિસ્તારમાં પાણી ભરાઇ ગયાની અને લોકો મુશિબતમાં મુકાયાની ફરિયાદને પગલે ટૂકડી પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી. જંકશન પ્લોટમાં ગેબનશા પીરની દરગાહ પાસે ઝાડ તૂટી પડતાં રસ્તો બંધ થઇ ગયો હતો. જેને ખુલ્લો કરાયો હતો.  આ ઉપરાંત યુનિવર્સિટી રોડ પંચાયત ચોક શિતલ ટ્રાવેલ્સવાળી શેરીમાં સવારે ઝાડ તૂટી પડ્યું હતું. તો ગાંધીગ્રામ-૬માં એક સ્કૂટર પર ઝાડ તૂટી પડતાં થોડુઘણું નુકસાન થયું હતું. ગોપાલનગર ગાયત્રીનગર મેઇન રોડ સૂયમુખી ચોક શેરી નં. ૯/૪ના ખુણે પણ ઝાડ તૂટી પડ્યું હતું.

સવારે સાડા આઠે પણ ફાયર બ્રિગેડમાં અલગ-અલગ વિસ્તારમાંથી ફરિયાદના ફોન ચાલુ હતાં. ભારે વરસાદને પગલે કલેકટર તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર, પોલીસ તંત્રના તમામ અધિકારીઓએ એલર્ટ રહી ટૂકડીઓને સતત દોડતી રાખી છે.

સવારે શારદા બાગ ધરમ સિનેમા પાસે મેઇન રોડ પર ઝાડ તૂટી પડતાં રસ્તો બંધ થઇ ગયો હતો. પોલીસે ટ્રાફિક નિયમન કરાવ્યું હતું અને આરએમસી, પીજીવીસીએલની ટીમોએ પણ તાકીદે પહોંચી જઇ ઝાડને દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી જેસીબીની મદદથી હાથ ધરી હતી.

(11:44 am IST)