Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ ટિહરી વિસ્‍તારમાં બાઇક સાથે યુવક ડુબ્યોઃ બચાવવાના બદલે લોકો વીડિયો બનાવવામાં મશગુલ

શ્રીનગર: ઉત્તરાખંડમાં સતત પડી રહેલો વરસાદ લોકો માટે મુસીબત બનતો જાય છે. ગુરુવારથી ગઢવાલના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. રુદ્રપ્રયાગ અને ટિહરી વિસ્તારમાં હાલાત સતત વણસી રહ્યાં છે. સતત પડી રહેલા વરસાદના કારણે નદી નાળા ઉફાન પર છે. અલકનંદાનું જળ સ્તર પણ ખુબ વધી ગયુ છે. શ્રીનગર ગઢવાલમાં ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે 58 પર ફરાસુ પાસે ભૂસ્ખલન બાદ એક યુવક બાઈક સાથે અલકનંદામાં ડૂબી ગયો અને લોકો તેનો વીડિયો બનાવવામાં મશગૂલ રહ્યાં.

અત્યંત શરમજનક ઘટનામાં વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકની ઉપર એક બાજુ ભૂસ્ખલનની માટી અને પથ્થર પડી રહ્યાં છે ત્યાં બીજી બાજુ નદીના પૂરપાટ વહેણના કારણે તેનો જીવ પણ જોખમમાં છે. યુવકને બચાવવાની તમામ કોશિશો પછી કરાઈ પરંતુ નહીના વહેણના કારણે તેને બચાવી શકાયો નહીં.

પાસે ઊભેલા કેટલાક લોકો તથા પોલીસના એક બે જવાનો પણ વિવશ થઈને ઊભેલા જોવા મળ્યાં. બધાની આંખો સામે તે યુવક નદીમાં ડૂબી ગયો. હકીકતમાં ભૂસ્ખલન બાદ યુવક ભીડ સાથે રસ્તો ખુલવાની રાહ જોઈને ઊભો હતો. ત્યારે રસ્તા કિનારે પથ્થરોની એક દીવાલ તૂટી. દીવાલ તૂટતા યુવક અને બાઈક પાણીના વહેણમાં ખેંચાઈ ગયાં.

(5:56 pm IST)