Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

રાજ્ય સરકાર દ્વારા બિનઅનામત વર્ગો માટે મોટી જાહેરાતઃ બિનઅનામત વર્ગમાં અનામત વિરૂદ્ધમાં ભભૂકી રહેલા રોષને શાંત પાડવા નવી યોજનાની જાહેરાત કરતા નીતિનભાઇ પટેલ

૪ ટકાના સાદા વ્યાજે લોન અપાશેઃ યુવતિઓને તમામ સ્થળે મફત શિક્ષણ અપાશે

આકર્ષક યોજનાઓથી ૫૮ જાતિઓના દોઢ કરોડ લોકોને લાભ મળશે : હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન પહેલાં જ ગુજરાત સરકારનો માસ્ટરસ્ટ્રોક ટ્યુશન ફી પેટે ૧૫ હજારની મદદ કરાશે : વર્તમાન શૈક્ષણિક વર્ષથી જ લાભ

અમદાવાદ, તા.૧૦ : ગુજરાત સરકારે સવર્ણો માટે આજે આકર્ષક યોજનાઓનો વરસાદ કર્યો હતો જેના ભાગરુપે શ્રેણીબદ્ધ યોજનાઓ જાહેર કરીને સવર્ણ સમુદાયમાં ખુશીની લહેર ફેલાવી દીધી હતી. યોજનાઓના ભાગરુપે વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ અને ટ્યુશન ફી પેટે ૧૫૦૦૦ની મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બિનઅનામત વર્ગની ૫૮ જાતિઓના દોઢ કરોડ લોકોને ચાલુ શૈક્ષણિક વર્ષથી નવા લાભ મળશે. પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી સહિતના મુદ્દાઓને લઇ પાટીદાર યુવા નેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલ તા.૨૫મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર ઉતરનાર છે ત્યારે તે પહેલાં જ રાજય સરકાર દ્વારા આજે એક મહત્વપૂર્ણ કૂટનીતિના ભાગરૂપે હાર્દિક પટેલના મનસૂબાઓ પર પાણી ફેરવાઇ જાય તે પ્રકારે આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી બહુ ગણતરી સાથે સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા શૈક્ષણિક સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની સાત જેટલી આકર્ષક યોજનાઓની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ ગુજરાતની ૫૮ સવર્ણ જ્ઞાતિઓના દોઢ કરોડ લોકોને મળશે. આજે જાહેર કરાયેલી તમામ યોજનાઓ આ વર્ષે શરુ થયેલા શૈક્ષણિક સત્રથી જ લાગુ પડી જશે તેમ પણ નીતિન પટેલે સ્પષ્ટ કર્યું હતું. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન શરૂ થાય તે પહેલાં જ સરકારે માસ્ટરસ્ટ્રોક મારી દેતાં ગુજરાતના રાજકારણમાં જોરદાર ચર્ચા શરૂ થઇ છે. તો, આ મામલે કોંગ્રેસ પણ જાણે બેકફુટ પર આવી ગયું છે. આ અંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન બાદ સરકારે રચેલા બિન અનામત વર્ગ દ્વારા કરાયેલી વિવિધ ભલામણોને ધ્યાનમાં લઈને સરકારે આ યોજનાઓ બનાવી છે. જેમાં ઉચ્ચ અભ્યાસ માટે સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓને ૧૦ લાખ રુપિયાની ચાર ટકાના વ્યાજે લોન, વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ રુપિયાની લોન આપવા સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે. આ સિવાય વિવિધ ખાનગી કે સરકારી હોસ્ટેલોમાં રહીને ભણતા સવર્ણ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાયની પણ નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ રુપિયાથી ઓછી હોય તેવા સ્નાતક કક્ષાના સ્ટુડન્ટ્સને સરકાર મહિને ૧૨૦૦ રુપિયા લેખે ભોજનબીલ સહાયતા આપશે. આ ઉપરાંત ધોરણ ૯થી ૧૨માં ભણતી વિદ્યાર્થિનીઓને પણ ફુડ બીલ સહાય મળશે. ધોરણ-૧૦માં ૭૦થી વધુ ટકા મેળવેલા હોય અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા સવર્ણ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા વાર્ષિક ૧૫,૦૦૦ રુપિયા ટ્યૂશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. પ્રાઈવેટ ટ્યુશન કે કોચિંગ ક્લાસ માટે પણ આ સહાય મળશે. દરેક વર્ષમાં એકવાર આ સહાયતા વિદ્યાર્થીઓને મળશે. ધોરણ-૧૨ સાયન્સ પછી મેડિકલ, એન્જિનિયરિંગમાં એડમિશન માટે વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા સ્ટુડન્ટ્સને આ પરીક્ષાના કોચિંગ માટે પણ સરકાર સહાય કરશે. ધોરણ-૧૦માં ૭૦થી વધુ ટકા મેળવ્યા હોય તેવા સ્ટુડન્ટ્સને સરકાર આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના કોચિંગની ફી અથવા ૨૦,૦૦૦ રુપિયા બંનેમાંથી જે ઓછું હોય તે ચૂકવશે. સરકારી નોકરીઓ માટે જીપીએસસી તેમજ યુપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓ ઉપરાંત, ગૌણ સેવા, પંચાયત સેવા પસંદગી મંડળ તથા કેન્દ્ર સરકારની ભરતીની પરીક્ષાની તૈયારી કરવા માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાં કોચિંગ લેતા તાલીમાર્થીઓને ૨૦,૦૦૦ રુપિયા સુધીની સહાય ચૂકવાશે. આ યોજનાનો લાભ લેવા માટે ધોરણ-૧૨માં ૬૦થી વધુ ટકા અને કુટુંબની આવકમર્યાદા ૩ લાખ સુધીની હોવી જરુરી છે. સરકાર દ્વારા સવર્ણો માટે સ્વરોજગારલક્ષી યોજનાની પણ સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે.

સરકાર રિક્ષા, વાન જેવા સ્વરોજગારલક્ષી વાહનો ઉપરાંત દુકાન, ઓફિસ કરવા માટે ૧૦ લાખ રુપિયાની પાંચ ટકા વ્યાજ લેખે સહાયતા કરશે. આ ઉપરાંત, સ્નાતક થયેલા, વકીલ તેમજ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા યુવાનો પોતાનો વ્યવસાય કરવા ઈચ્છતા હોય તો સરકાર તેમને પણ પાંચ ટકાના વ્યાજ પર રૂ.૧૦ લાખ સુધીની સહાય પૂરી પાડશે. સરકારની ઉપરોકત આકર્ષક યોજનાઓને લઇ રાજયના સવર્ણ વર્ગમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે, તો બીજીબાજુ, કોંગ્રેસ અને હાર્દિક પટેલ આણિમંડળી તેમનો દાવ ઉંધો પડી જતાં હવે બીજો નવો મુદ્દો વિવાદ માટે શોધી રહ્યા હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે.

તમામ યોજનાનો લાભ ઓનલાઇન મળી રહેશે

અમદાવાદ, તા. ૧૦ :    સરકારની આ આકર્ષક યોજના અંગે નીતિનભાઇએ જણાવ્યું કે નિગમની એક કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે. તમામ યોજના લાભ વિદ્યાર્થી સરળતાથી મેળવી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે. માત્ર એટલું જ નહીં તમામ સહાય વિદ્યાર્થીઓેને જ ચૂકવવામાં આવશે. સંસ્થા કે ટ્યુશન ક્લાસિસને ચૂકવાશે નહીં. લોનની ચૂકવણીના રાહતભર્યા ધારાધોરણો અને માપદંડ પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે કે જેથી વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ પર કોઇ બોજ પડે નહી.

(7:30 pm IST)
  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST

  • લોધિકા તાલુકાના રાવકી ગામે ભરવાડ અને પટેલ જૂથ વચ્ચે માથાકૂટ:પટેલને માથામાં કુહાડી મારતા ઘાયલ:પટેલોનું ટોળું રાજકોટ એસપી ઓફિસે પહોંચ્યું access_time 12:13 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST