Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ભારતમાં કેટલા ડોકટરો છે? કોઇને ખબર નથી

નવીદિલ્હી તા.૧૦: મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) એ સંસદને આપેલા આંકડા મુજબ દેશમાં ૧૦.૮ લાખ ડોકટરો નોંધાયેલા છે, પરંતુ આટલી સંખ્યામાં ડોકટરો હોવાનું ભાગ્યે જ કોઇ જાણતું હશે. મેડિકલ કાઉન્સિલે આપેલા આંકડા મુજબ કુલ સંખ્યામાંથી ૮૦ ટકા ડોકટરો ઉપલબ્ધ છે, કારણકે કેટલા ડોકટરો જીવતા અને પ્રેકિટસિંગ છે એ કોઇ જાણતું નથી.

ઇન્ડિયન મેડિકલ રજીસ્ટ્રી (IMR) માં ૭૫,૦૦૦ ડોકટરોની નોંધણી આઝાદી પહેલાં કે તરત પછી કરવામાં આવી હતી. કેટલાક તો ૧૯મી સદીમાં નોંધાયેલા છે. સ્વાભાવિક રીતે જ એમાંના મોટા ભાગના મૃત્યુ પામ્યા છે અથવા હવે પ્રેકિટસ કરતા નથી. એમ છતાં તેમના નામ IMR માં હોવાથી દર વર્ષે ડોકટરોની ગણતરીમાં ઉમેરાતા રહે છે. મૃત્યુ પામેલા, સ્થાન બદલનારા કે આઉટ ઓફ પ્રેકિટસ ડોકટરોના નામ IMR માંથી કાઢી નાખવા માટે તમામ ડોકટરોના રી-રજીસ્ટ્રેશનના નિર્દેશો ૨૦૦૯થી વારંવાર સ્ટેટ મેડિકલ કાઉન્સિલને આપવામાં આવ્યા હતા, પરંતુ એના કોઇ પરિણામો આવ્યા નથી. ફકત દિલ્હી મેડિકલ કાઉન્સિલ (DMC) એ જીવંત ડોકટરોની માહિતી આપી છે. દિલ્હીમાં ૧૬,૮૩૩ ડોકટરો નોંધાયેલા હોવાનું સંસદને જણાવવામાં આવ્યું છે. જો કે DMC ના આંકડા મુજબ ૬૪,૦૦૦ ડોકટરો છે. DMC ના પ્રમુખ ડો. અરુણ ગુપ્તાએ જણાવ્યું હતું કે ' અમે ૪૮,૬૫૭ રી-રજીસ્ટ્રેશન કર્યાં છે અને ૧૫,૭૨૦ પહેલી વખતનાં રજીસ્ટ્રેશન્સ છે. એ રીતે અમારી કાઉન્સિલમાં કુલ ૬૪,૩૭૭ ડોકટરો નોંધાયેલા છે. એથી અમને દિલ્હીમાં ડોકટરોની સંખ્યાનો લગભગ સાચો ખ્યાલ છે.'

હરિયાણા, બિહાર, ઓડિશા અને કર્ણાટકે કેટલાંક વર્ષોથી રજીસ્ટ્રેશન-ડેટા MCI ને મોકલ્યા નથી. કાયદેસર રીતે સ્ટેટ મેડિકલ કાઉન્સિલે દર વર્ષની પહેલી એપ્રિલ પછી એમનાં રજીસ્ટર્સની સુધારા-વધારા સાથેની કોપી મોકલવાની હોય છે, પરંતુ એમાં મોટા ભાગનાં રાજયો ગફલત કરતાં હોવાથી દર વર્ષ સંસદને એકસરખો અર્થહીન ડેટા પ્રાપ્ત થાય છે. એ ડેટાને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ આરોગ્ય મંત્રાલય, MCI કે સ્ટેટ કાઉન્સિલ માંથી કોઇ કરતું નથી.

સારવારમાં બેદરકારીના કિસ્સામાં તપાસ માટે ગયા વર્ષેMCI એ દરેક ડોકટર માટે યુનિક પર્મનન્ટ રજીસ્ટ્રેશન નંબર (UPRN) ની સિસ્ટમ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ સિસ્ટમ દ્વારા ભારતમાં કેટલા ડોકટરો  પ્રેકિટસ કરે છે એ અને બનાવટી ડોકટરો કે માન્યતા વગરના ડોકટરોને શોધવાનું કામ પણ સરળ બને છે. રજીસ્ટ્રેશનની સિસ્ટમ ૬૦ વર્ષ પહેલાં અમલમાં આવી હોવા છતાં MCI હજીIMR ને વ્યવસ્થિત કરવામાં સફળ બની નથી.(૧.૨૦)

(4:11 pm IST)