Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

મુંબઇઃ સનાતન સંસ્થાના પદાધિકારીના ઘરે ATSના દરોડાઃ ભારે માત્રામાં વિસ્ફોટકો-ડેટોનેટર જપ્ત

સર્ચ ઓપરેશન વૈભવ રાઉત નામના વ્યકિતના ઘરે અને એક દુકાનમાં ચલાવાય રહ્યું છે

મુંબઇ તા. ૧૦ : મુંબઈને અડીને આવેલા પાલઘરના નાલાસોપારા વેસ્ટમાં ભંડાર અલી વિસ્તારમાં ગુરૂવારે મોડી રાત્રે મહારાષ્ટ્ર એટીએસએ છાપો માર્યો હતો. આ સર્ચ ઓપરેશન શુક્રવારે સવાર સુધી યથાવત રહ્યું હતું. સર્ચ ઓપરેશન વૈભવ રાઉત નામના વ્યકિતના ઘર અને નજીકની એક દુકાનમાં ચાલી રહ્યું છે. રાઉતના ઘરમાંથી વિસ્ફોટકો હાથ લાગ્યા છે. એટીએસના અધિકારીના જણાવ્યા પ્રમાણે, રાઉત સનાતન સંસ્થાનો પદાધિકારી છે.

 

એટીએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી તે સતત વૈભવ પર નજર રાખી રહ્યાં હતાં. પુરી ખાતરી કરી લીધા બાદ ગઈ કાલે ગુરૂવારે સાંજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વૈભવને અટકાયતમાં લઈને પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, વિસ્ફોટકો વિષેની જાણકારી મળ્યાં બાદ મહારાષ્ટ્ર એટીએસ અને પાલઘર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી છે.

એટીએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વૈભવ રાઉતના ઘરેથી ૮ દેશી બોમ્બ મળ્યા છે જયારે ઘરથી થોડે જ દૂર આવેલી એક દુકાનમાંથી બોમ્બની સામગ્રી મળી આવી છે. જેમાં ગન પાઉડર અને ડેટોનેટરનો સમાવેશ થાય છે. જોકે એટીએસને હજી સુધી આ મામલે સત્તાવાર રીતે બોમ્બ મળ્યાની અને કાર્યવાહીને લઈને કોઈ વિગતો આપી નથી. બીજી બાજુ વૈભવ રાઉતના વકીલ સંજીવ પૂનાલેકરનું કહેવું છે કે, વૈભવ રાઉતની ધરપકડ વિશે એટીએસએ અમને કોઈ જ જાણકારી આપી નથી. મને એ વાત નથી સમજાતી કે દેશમાં કેવા પ્રકારના કાયદાનું પાલન કરવામાં આવી રહ્યું છે. અમે આ કાર્યવાહી વિરૂદ્ઘ કાયદાકીય પગલા ભરીશું.(૨૧.૧૮)

(4:09 pm IST)