Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

SC છાત્રોનાં નામે ૧૮૦૦૦ કરોડનું શિષ્યવૃતિ કૌભાંડ

CAGનો રીપોર્ટઃ આંખો બંધ કરીને જારી થયા નાણાઃ યુપી, મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ, કર્ણાટકમાં ઓડીટ દરમ્યાન ખુલાસોઃ એક જ રોલ નંબર, એક જ જ્ઞાતિના પ્રમાણપત્રો પર હજારો છાત્રોને રકમ જારી કરી દેવાઈ

નવી દિલ્હી, તા. ૧૦ :. દેશમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની પોસ્ટમેટ્રીક સ્કોલરશીપના નામ ઉપર મોટુ કૌભાંડ બહાર આવ્યું છે.

યુપી, મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ અને કર્ણાટકમાં કેગના ઓડીટમાં તે બહાર આવ્યુ છે. પાંચ વર્ષમાં આંખો બંધ કરીને આ રાજ્યોમાં ૧૮૦૦૦ કરોડથી વધારે રૂપિયાની શિષ્યવૃતિ અપાઈ હતી. તેમા ન તો કોઈ નિયમોનું પાલન કરાયું ન ઉપયોગમા પ્રમાણપત્રો લેવાયા અને ન તો કોઈ તપાસ કરાઈ. ચોંકાવનારી વાત એ છે કે, એક જ રોલ નંબર, એક જ જાતિ પ્રમાણપત્ર પર હજારો વિદ્યાર્થીઓને રૂપિયા આપી દેવામાં આવ્યા. આના લીધે સીસ્ટમમાં શિક્ષણ માફીયાથી લઈને અમલદારોની ભૂમિકા પર મોટા પ્રશ્નાર્થ ઉભા થયા છે. ૧૮૭૫૮૧ વિદ્યાર્થીઓના ખાતામાં તો નિર્ધારીતથી વધારે ૪૯૬૭.૧૯ લાખ રૂપિયા જમા કરાવાયા હતા.

ફકત સેમ્પલ ઓડીટમાં જ આટલા ગોટાળા સામે આવ્યા છે. જો ઓબીસીથી લઈને જનરલ વર્ગની બધી શિષ્યવૃતિઓની તપાસ થાય તો દેશના મોટા કૌભાંડોમાંનુ એક હશે. ૨૦૧૮ના રીપોર્ટ નંબર ૧૨માં કેગે દેશમાં દલિત વિદ્યાર્થીઓની શિષ્યવૃતિની લૂંટની પોલ ખોલી નાખી છે. કેગે સામાજીક ન્યાય મંત્રાલયને નાણાકીય ગોટાળાની તપાસ કરીને દોષી અધિકારીઓ પર પગલા લેવાની ભલામણ કરી છે, સાથે જ હાલની શિષ્યવૃતિ વિતરણ પદ્ધતિને બદલીને ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવાની ભલામણ કરી છે.

કેગે ૨૦૧૨થી લઈને ૨૦૧૭ સુધીના ઓડીટ દરમ્યાન ખાલી ઉત્તર પ્રદેશમાં કુલ ૧.૭૬ લાખ એવા કેસ પકડયા, જેમાં એક જ નંબરના જાતિ પ્રમાણપત્ર પર ૨૩૩.૫૫ કરોડ રૂપિયા અપાયા હતા. આ જ રીતે ૩૪૬૫૨ કેસ એવા મળ્યા જેમાં અરજદારની અરજીમાં એક જ હાઈસ્કૂલના એક જ રોલ નંબરવાળા સર્ટીફીકેટ જોડેલા હતા. આવી અરજી પર ૫૯.૭૯ કરોડ અપાયા હતા. ઉપરાંત ૧૩૩૦૩ અરજીમાં એક જ રોલ નંબર અને એક જ જાતિ પ્રમાણપત્ર ઉપર ૨૭.૪૮ કરોડનો ખેલ થયો હતો.

આશ્ચર્યની વાત તો એ હતી કે ઓનલાઈન સોફટવેરે આ ખેલ પકડી લીધો હતો છતાં પણ શંકાસ્પદ એવા આ ડેટાને વિભાગના જવાબદારો દ્વારા પ્રમાણીત કરી દેવાયો હતો. એટલે કે આ ગરબડોને દૂર કરીને ખાતામાં રકમ જમા કરી દેવાઈ હતી. હકીકતમાં બે કે તેથી વધારે અરજી કરીને કોઈ વધારે પૈસા ન મેળવી શકે અથવા એક જ સર્ટીફીકેટ પર વધારે વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ન મળે એના માટે પોર્ટલ પર અરજીકર્તાઓનો ડેટા અપલોડ થાય છે. આ પોર્ટલ એક જ સીરીયલ નંબરના બે અથવા તેનાથી વધારે સર્ટીફીકેટ મળે તો સંબંધીત અરજદારને ઈનકરેકટ શ્રેણીમાં મુકી દે છે, પણ જવાબદારોએ આ ઈનકરેકટ ડેટાને કરેકટ કરીને કૌભાંડ કર્યુ. આનાથી સંકેત મળે છે કે શિષ્યવૃતિ કૌભાંડમાં કોલેજથી માંડીને ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ સંડોવાયેલા છે.(૨-૩)

 

(11:31 am IST)
  • વડોદરામાં ચાંદીનો મોટો જથ્થો પકડાયો :નવાપુરા પોલીસે પકડયો જથ્થો :100 કિલો ચાંદીનો જથ્થો: કારમાં ચાંદી લઈને જતા બે શખ્સોની પોલીસે કરી અટકાયત :બંને શખ્સોની પુછપરછ : મોટી માત્રામાં ચાંદીનો જથ્થો પકડાતા વિવિધ એજન્સી કામે લાગી access_time 10:48 pm IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • સરકારની પગારમાં બેધારી નીતીથી શિક્ષકો નારાજ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકો અને સરકારી શિક્ષણ સહાયકોને મળતા પગારમાં ભેદ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને સાતમા પગાર પંચનો તફાવત ત્રણ હપ્તામાં આપવા અંગે માંગ:ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળ ની ચીમકી access_time 1:17 am IST