Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ઈરાનમાં સરકારી સિસ્ટમ પર સાઈબર એટેક : અસંખ્ય વેબસાઈટ્સ ઠપ થઇ

હેકર્સે રેલવેના ડિસ્પ્લે બોર્ડમાં ટ્રેનો મોડી થઈ હોવાની ખોટી માહિતી ફેલાવીને ભારે અરાજકતા સર્જી

ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે દેશભરની સરકારી સિસ્ટમ ઉપર સાઈબર એટેક થયો હતો, તેના કારણે અસંખ્ય વેબસાઈટ્સ ઠપ થઈ ગઈ હતી. હેકર્સે રેલવેના ડિસ્પ્લે બોર્ડમાં ટ્રેનો મોડી થઈ હોવાની ખોટી માહિતી ફેલાવીને ભારે અરાજકતા સર્જી દીધી હતી.
ઈરાનની સરકારી સમાચાર સંસ્થા ઈસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સીના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારી સિસ્ટમ ઉપર શક્તિશાળી સાઈબર એટેક થયો હતો. તેના કારણે અસંખ્ય સરકારી વેબસાઈટ્સ ઠપ થઈ ગઈ હતી. ખાસ તો શહેરી મંત્રાલય અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયને વિશેષ ટાર્ગેટ બનાવાયા હતા. સ્ટાફની બધી જ કમ્પ્યુટર સિસ્ટમ આઉટ ઓફ સર્વિસ થઈ જતાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. ટેલિકોમ્યુનિકેશન મંત્રી મોહમ્મદ જાવેદ અઝારીએ જણાવ્યું હતું કે રેન્સમવેર એટેક હોઈ શકે છે. અગાઉ ૨૦૧૮માં આવો જ હુમલો થયો હતો, તેના જેવો જ હુમલો થયો હોવાનું ટેલિકોમ મંત્રીએ કહ્યું હતું. સાઈબર હુમલો કોણે કર્યો તે અંગે સરકારે કોઈ સત્તાવાર જાહેરાત કરી ન હતી. એ અંગે તપાસ હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન અમેરિકાએ દુનિયાના સૌથી મોટા રેન્સમવેર અંગે તપાસ આદરી હતી. તપાસ એજન્સી એફબીઆઈએ શોધી કાઢ્યું હતું કે દુનિયાનો સૌથી મોટો રેન્સમવેર હુમલો રશિયન હેકર્સે કર્યો હતો. ત્યારબાદ અમેરિકન પ્રમુખ જો બાઈડેને તે મુદ્દે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતી વખતે બાઈડેનને આ અંગે પૂછવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતુંઃ હા. મેં પુતિન સાથે વાત કરી. અમે હેકર્સ મુદ્દે ચર્ચા કરી. મેં તેમને સ્પષ્ટ કહ્યું હતું કે અમેરિકા પુરાવા આપી શકે તેમ છે. રશિયન સરકાર હેકર્સ સામે કડક પગલાં ભરે. પુતિને હેકર્સ સામે કડક પગલાં ભરવાની તૈયારી બતાવી છે.

(11:36 pm IST)