Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ન્યૂઝીલેન્ડના યુટ્યુબર કાર્લ રોકને ભારતે બ્લેક લિસ્ટ કર્યો

પર્યટન વિઝા પર વ્યવસાયિક પ્રવૃત્તિ કરવાનો આરોપ : ભારત સરકારના નિર્ણય સામે દિલ્હીમાં રહેતી કાર્લની પત્ની મનિષા મલિકની દિલ્હી હાઈકોર્ટમાં પીટીશન

નવી દિલ્હી, તા.૧૦ : ન્યૂઝીલેન્ડના ખ્યાતનામ યૂ ટ્યૂબર કાર્લ રાઈસ ઉર્ફે કાર્લ રોકને ભારત સરકાર દ્વારા બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યો છે.

સરકારના નિર્ણય સામે તેની પત્નીએ દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન કરી છે.જેમાં કહેવાયુ છે કે, કાર્લ ૨૦૧૩થી ભારત આવે છે.તેની પાસે ન્યૂઝીલેન્ડ અને ભારત એમ બંને દેશોની નાગરિકતા છે.કાલ એડવર્ડે ભારતના તમામ કાયદાઓનુ પાલન કર્યુ છે.તેને બ્લેક લિસ્ટ કરતા પહેલા ભારત સરકારે તેમની સાથે કોઈ વાત પણ કરી નથી.માત્ર તેમને મૌખિક રીતે બાબતની જાણકારી આપવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડના જાણીતા યૂટ્યૂબરને દેશમાં પ્રવેશવા નહીં દેવા માટે કોઈ કારણ પણ આપવામાં નહીં આવ્યુ હોવાનો આરોપ પણ તેની પત્નીએ લગાવ્યો છે.કાર્લ રોકે મામલે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિકા અર્ડનને પણ અપીલ કરીને એક ઓનલાઈન કેમ્પેન પણ શરુ કર્યુ છે.કાર્લે પોતાનો વિડિયો શેર કરતા કહ્યુ છે કે ,ભારત સરકારે મને ભારતમાં પ્રવેશ કરતા રોકીને મારી પત્નીથી અલગ કરી દીધો છે.જે દિલ્હીમાં રહે છે.મારી પત્ની મનિષા મલિક હરિયાણાની છે.તેની સાથે મારા લગ્ન ૨૦૧૯માં થયા હતા. કાર્લે દાવો કર્યો છે કે, દિલ્હીમાં હતો ત્યારે મને કોરોના  થયો હતો.સાજો થયા બાદ મેં બીજા દર્દીઓને મદદ કરવા માટે બે વખત પ્લાઝમા પણ ડોનેટ કર્યા હતા. બીજી તરફ ભારત સરકારનુ કહેવુ છે કે, કાર્લ રોકે વિઝાની શરતોનુ ઉલ્લંઘન કર્યુ છે.તે પર્યટન વિઝા પર વ્યવસાયિક પ્રવૃત્તિ કરી રહ્યો હતો અને બીજા નિયમોનુ પણ ઉલ્લંઘન કર્યુ છે.તેને આગામી વર્ષ સુધી ભારતમાં એન્ટ્રી નહીં આપવામાં આવે.

(7:19 pm IST)