Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ભ્રષ્ટાચાર પર મુકાશે લગામ

સંવેદનશીલ પદ પર બેઠેલા બેંક કર્મીઓને મળશે સરપ્રાઇઝ છુટ્ટી

દર વર્ષે ફરજીયાત ૧૦ દિવસ આપી દેવાશે રજા

મુંબઇ તા. ૧૦ : ટ્રેઝરી અને કરન્સી ચેસ્ટ ઓપરેશન્સ જેવા સંવેદનશીલ પદો પર કામ કરનારા બેંક કર્મચારીઓને દર વર્ષે ૧૦ દિવસ માટે સરપ્રાઇઝ રજા પર મોકલી દેવાશે.

આરબીઆઇએ કર્મચારીઓના ભ્રષ્ટાચાર પર કાબુ મેળવવાના પગલાઓ માટે નક્કી કરાયેલ વિવેકપૂર્ણ રીસ્ક મેનેજમેન્ટના ઉપાય હેઠળ આવી રજાને ફરજીયાત રીતે સામેલ કરી છે. આ રજા કર્મચારીઓને જાણ કર્યા વગર અચાનક આપવામાં આવશે. જેથી તેની ગેરહાજરીમાં તેમના કામની તપાસ થઇ શકે. રીઝર્વ બેંકે બેંકોને આને છ મહિનામાં પોતાની રજા નીતિમાં સામેલ કરવાનો આદેશ આપ્યો છે.

ભારતીય રીઝર્વ બેંક (આરબીઆઇ)એ આ પગલુ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી દ્વારા પંજાબ નેશનલ બેંકમાં કરાયેલ ફ્રોડનો અભ્યાસ કર્યા પછી લીધું છે. મોદી અને ચોકસી બેંક કર્મચારીઓની મદદથી બોગસ લેટર ઓફ અન્ડર ટેકીંગ (એલઓયુ) બનાવડાવીને પીએનબીને લગભગ ૧૩૫૦૦ કરોડનો ચૂનો લગાવવાના આરોપમાં વોન્ટેડ છે. બેંક કર્મચારીઓને અચાનક રજા પર મોકલવા પાછળ રીઝર્વ બેંકનો મકસદ એ છે કે આવી છેતરપિંડીને જલ્દી પકડી શકાય.

ગ્રામીણ વિકાસ બેંકો અને સહકારી બેંકો સહિત બધી બેંકોને મોકલાયેલી સૂચનામાં રીઝર્વ બેંકે તેમને પોતાને ત્યાં 'ફરજીયાત અચાનક રજા'ની નીતિ લાગુ કરવા કહ્યું છે.

(3:02 pm IST)