Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

યુરોપિયન યુનિયને આપ્યો મોટો ઝટકો :ચીનમાં રમાનારી વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવા સંસદમાં ઠરાવ પસાર

ચીન દ્વારા માનવાધિકારોના થતા ઉલ્લંઘનના કારણે ચીનના ઓલિમ્પકના નિમંત્રણને ઠુકરાવી દેવાયું

બ્રસેલ્સ :યુરોપિયન યુનિયનની સંસદે ચીનને મોટો ઝાટકો આપીને 2022માં બિજિંગમાં થનારી વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

યુરોપિયન સાંસદોએ આ નિર્ણય પર સંમતિ દર્શાવતા કહ્યુ છે કે, ચીન દ્વારા માનવાધિકારોના થઈ રહેલા ઉલ્લંઘનના કારણે ચીનના ઓલિમ્પકના નિમંત્રણને ઠુકરાવી દેવુ જોઈએ.આ સાંસદોએ પોતાની સરકારો સમક્ષ પણ માંગ કરી હતી કે, ચીનમાં ઉઈયુગર મુસ્લિમો સાથે ચીન દ્વારા થઈ રહેલા વહેવારને જોતા ચીન પર વધારે પ્રતિબંધો મુકવાની જરુર છે.આ સિવાય યુરોપિયન દેશોએ હોંગ કોંગમાં પણ લોકશાહીનુ સમર્થન કરવુ જોઈએ.

સંસદે જે પ્રસ્તાવો પસાર કર્યા છે તેમાં હોંગ કોંગના સરકારી અધિકારીઓ પર પ્રતિબંધ લગાવવાનો અને ચીન સાથેની પ્રત્યાપર્ણ સંધિ પણ તાત્કાલિક અસરથી ખતમ કરવાનો પ્રસ્તાવ સામેલ છે.

જોકે યુરોપિયન યુનિયનમાં સામેલ દેશો યુરોપિયન સંસદનો પ્રસ્તાવ માનવા માટે બંધાયેલા નથી.આ પ્રસ્તાવ રજૂ કરનાર સાસંદનુ પણ કહેવુ છે કે, ઘણા યુરોપિયન દેશો અને યુરોપિયન યુનિયન પણ હોંગ કોંગમાં ચીન દ્વારા થઈ રહેલા અત્યાચાર અંગે બોલવા માટે તૈયાર નથી.યુરોપના ઘણા દેશો ચીન સાથે સીધો ટકરાવ ઈચ્છતા નથી.

બીજી તરફ ચીને આ પ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યુ છે કે, ચીન રમતગમતના અને માનવાધિકારના મુદ્દાના બહાને અમારા આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાના થઈ રહેલા પ્રયાસોનો વિરોધ કરે છે.બિજિંગ વિન્ટર ઓલિમ્પિક રમત ગમતની તૈયારી અને આયોજનને અટકાવવાના પ્રયાસ બહુ બીનજવાદાર વલણ દર્શાવે છે.તેનાથી તમામ દેશના ખેલાડીઓને અને ઓલિમ્પિકના હિતોને નુકસાન થશે.

(12:16 pm IST)