Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ICMRનો મોટો દાવો

ધીમે ધીમે ફલુ જેવો થઇ જશે કોરોના : દર વર્ષે વેકિસન લેવી પડશે

નવી દિલ્હી,તા. ૧૦: ઈન્ડીયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) ના રોગચાળા વિભાગના વડા સમિરાન પાન્ડાએ જણાવ્યું કે કોરોના વાયરસ ઈન્ફ્લુએન્ઝા જેવો બની જશે. સાથોસાથ તેમણે કહ્યુ છે કે વધુ જોખમવાળી વસ્તીએ આનાથી બચવા માટે દર વર્ષે કોરોના વેકસીન લેવાની જરૂર પડી શકે છે. નિષ્ણાતોએ કહ્યુ છે કે અત્યારે જો લોકો નિયમો નહિ પાળે તો ૬ થી ૮ સપ્તાહમાં ત્રીજી લહેર ત્રાટકશે.

સમિરાન પાન્ડાએ જણાવ્યું કે કોરોના મહામારી હવે સ્થાનિક મહારીમાં ફેરવાની સંભાવનવા છે અને જેને ચેપ લાગવાની સંભાવના હોય તેમણે દર વર્ષે વેકિસન લેવી પડશે. તેમણે કહ્યું કે આજથી ૧૦૦ વર્ષ પહેલા ઈન્ફ્લુએન્ઝા મહામારી બન્યો હતો પરંતુ હવે તે સ્થાનિક મહામારી બની છે.

તેમણે કહ્યું અમારુ માનવું છે કે કોરોના પણ ધીમે ધીમે વૈશ્વિક મહામારીમાંથી સ્થાનિક મહામારીમાં ફેરવાઈ જશે.

દિલ્હીની એલએનજેપી હોસ્પિટલના ડિરેકટર સુરેશ કુમારે જણાવ્યું કે કોરોનાના થોડા ઘણા કેસો તો આવતા રહેશે. શુન્ય એક અસંભવ આંકડો છે.  વાયરસ સ્વરુપ બદલી રહ્યો છે તેથી ભવિષ્યમાં તેના વ્યવહારનું અનુમાન લગાડવું મુશ્કેલ છે. ફકત જીવવા માટે સ્વરુપ બદલી રહ્યો છે કોરોના

ફરીદાબાદ અમૃતા હોસ્પિટલના મેડિકલ ડિરેકટર ડો. સંજીવ સિંહે જણાવ્યું કે આ એક એમઆરએનએ વાયરસ છે જે સતત પોતાનું બંધારણ બદલી રહ્યો છે. આ વાયરસ સ્માર્ટ છે અને જીવવા માટે સતત પોતાનું રુપ બદલી રહ્યો છે.

આઈવીએફ નિષ્ણાંત ડો. ગૌરી અગ્રવાલે જણાવ્યું કે સંપૂર્ણરીતે વાયરસનો ખાતમો થવો અસંભવ છે. ૧૨-૨૪ મહિનામાં કોરોના સ્થાનિક મહામારીમાં બદલાઈ જશે. 

(11:32 am IST)