Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

નવા રેલવે મંત્રીએ એન્જિનિયરને કહ્યું- સર નહીં, તમે મને બોસ કહેશો !

કાર્યભાર સંભાળ્યા બાદ નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ચર્ચામાં રહ્યા : તેમની એન્જિનિયરો સાથેની મુલાકાતનો એક વિડીયો હવે ખુબ વાયરલ થઇ રહ્યો છે

નવી દિલ્હી તા. ૧૦ : ગુરૂવારે મોદી સરકારની ટીમમાં મોટા બદલાવ થયા. બીજી વાર ચૂંટાઈને આવ્યા બાદ પહેલી વાર મોદીના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ જોવા મળ્યું. આ વિસ્તરણમાં ઘણા નામો ખુબ ચર્ચાયા. તેમાંથી એક નામ છે અશ્વિની વૈષ્ણવ. અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલય તેમજ આઈટી ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રથમ તો તેઓ ભૂતપૂર્વ IPS અધિકારી હોવાના કારણે તેમનું નામ ખુબ ચર્ચામાં આવ્યું. આ ઉપરાંત વાજપેયીની સરકારમાં પીએમોમાં ડેપ્યુટી સેક્રેટરી પણ તેઓ રહી ચૂકયા છે. અશ્વિની વૈષ્ણવના મજબુત અનુભવને લીધે તેઓ પર લોકોની આશા વધુ હોય તેવું જોવા મળી રહ્યું છે. ખાસ વાત તો એ થઇ જયારે કાર્યભાર સંભાળ્યાના પહેલા જ દિવસે તેમણે પોતાના કાર્યાલયમાં કામ કરવાનો સમય બદલી દીધો. જી હા રેલવે મંત્રીનો સ્ટાફ હવે ૨ શિફટમાં કામ કરશે. સવારે ૭:૦૦ વાગ્યાથી લઈને રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી આ સ્ટાફ હવે કાર્યરત રહેશે. હવે ફરી એકવાર રેલવે મંત્રી ચર્ચામાં આવ્યા છે.

વાત જાણે એમ છે કે નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે રેલવેમાં સિગ્નલ વિભાગના એન્જિનિયરોની મુલાકાત લીધી. આ મુલાકાત સમયનો એક વિડીયો વાયરલ થઇ ગયો. આ સમયે ત્યાં એક એન્જિનિયર કહે છે કે તેઓ એ જ કોલેજના છે, જેમાં રેલવે મંત્રી ભણ્યા હતા. આ વાત પર અશ્વિની વૈષ્ણવ જવાબ આપે છે 'આવો ગળે મળીએ'. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે ઘર જેવું જ કામ કરીશું. મજા આવી જશે, એવું કામ કરીશું.

પૂર્વ IAS અશ્વિની વૈષ્ણવે રાજસ્થાનના જોધપુરની M.B.M કોલેજથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. અને એક એન્જિનિયર પણ આ જ કોલેજથી નીકળતા માહોલ હળવો બની ગયો હતો.

અશ્વિની વૈષ્ણવે એન્જિનિયરને ગળે લગાવીને કહ્યું કે 'સર નહીં, હવે તમે મને બોસ કહેશો. સિનીયર જુનિયરમાં, જુનિયર બોસ બોલાવે છે સિનીયરને.' જી હા કોલેજ કાળમાં ચાલતા આવા ઉલ્લેખોને મજાકના રૂપે કહીને રેલવે મંત્રીએ માહોલ ખુશનુમા કરી દીધો હતો. ત્યાં ઉપલબ્ધ દરેક એન્જિીનયર ખુશ જણાઈ રહ્યા હતા. આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

(11:30 am IST)