Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કોરોનામાં પણ માઇક્રોસોફટનું દરેક કર્મચારીને ૧.૧૨ લાખનું મહામારી બોનસ

માઇક્રોસોફટ ૧.૭૫ લાખથી વધુ કર્મચારીઓના બોનસ માટે ૨૬.૩૨ કરોડ ડોલરનો ખર્ચ કરશે

વોશિંગ્ટન, તા. ૧૦ : કોરોના મહામારી દરમિયાન અનેક કંપનીઓ કર્મચારીઓની છટણી, પગારમાં કાપ મૂકી રહી છે તેવા સમયમાં કેટલીક કંપનીઓ મહામારીના સમયમાં પણ કામ કરવા બદલ તેના કર્મચારીઓને ઈનામ આપી રહી છે. અમેરિકન કંપની માઈક્રોસોફટે તેના દરેક કર્મચારીને ૧,૫૦૦ ડોલર (અંદાજે રૂ. ૧.૧૨ લાખ)નું મહામારી બોનસ આપવાની જાહેરાત કરી છે.

માઈક્રોસોફટે જણાવ્યું હતું કે તેણે એક પડકારજનક નાણાકીય વર્ષને ધ્યાનમાં લેતાં આ નિર્ણય કર્યો છે. ધ વર્જના એક રિપોર્ટ મુજબ માઈક્રોસોફટે જણાવ્યું હતું કે, એક વખત અપાનારું આ બોનસ એક અલગ પ્રકારના પડકારજનક નાણાકીય વર્ષને સ્વીકાર કરવા સમાન છે, જે કંપનીએ ગયા વર્ષે પૂરું કર્યું છે. માઈક્રોસોફટના ચીફ પીપલ ઓફિસર કેથલીન હોગને આ બોનસની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, માઈક્રોસોફટના દરેક કર્મચારીને આ બોનસ અપાશે. પછી તે અમેરિકામાં કાર્યરત હોય કે બીજા કોઈ દેશમાં કામ કરતો હોય. આ બોનસ ૩૧ માર્ચ, ૨૦૨૧ પહેલા કંપનીમાં જોડાયા હોય તેવા વાઈસ પ્રેસિડેન્ટથી નીચેના સ્તરના બધા જ કર્મચારીઓને અપાશે.

હોગને કહ્યું હતું કે કંપનીમાં કલાકના આધારે કામ કરતા પાર્ટ ટાઈમ કર્મચારીઓને પણ આ બોનસ અપાશે. સમગ્ર દુનિયામાં માઈક્રોસોફટના ૧,૭૫,૫૦૮ કર્મચારીઓ છે. બોનસ પર કંપનીએ અંદાજે ૨૬.૩૨ કરોડ ડોલરનો ખર્ચ કરવો પડી શકે છે. આ પહેલાં ફેસબૂકે તેના ૪૫,૦૦૦ કર્મચારીઓને ૧,૦૦૦ ડોલરની ભેટ આપી હતી અને અમેઝોને ફ્રન્ટલાઈન કર્મચારીઓને ૩૦૦ ડોલરનું હોલીડે બોનસ આપ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યા મુજબ માઈક્રોસોફટની સહાયક કંપનીઓ લિંકડઈન, ગિટહબ અને જેનીમેકસના કર્મચારીઓને મહામારી બોનસ નહીં અપાય.

(10:16 am IST)