Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ટાટાની કંપનીના શેરે આપ્યું ૧,૧૦૦% રિટર્નઃ એક જ વર્ષમાં રોકાણકારોને લાગી લોટરી

જે રોકાણકારે એક વર્ષ અગાઉ આ કંપનીના શેરમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તેને આજે ૧૨ લાખનું વળતર મળ્યું હશે : ૯ જૂન ૨૦૨૦ના રોજ ટાટા ટેલિસર્વિસીસના એક શેરનો ભાવ ૩.૮૨ રૂપિયા હતો : ૯ જૂલાઈ ૨૦૨૧ના રોજ ટાટા ટેલિસર્વિસીસનો શેર ૪૬.૯૫ રૂપિયાના ભાવે બંધ થયો

મુંબઇ,તા. ૧૦: છેલ્લા એક વર્ષમાં શેર માર્કેટ અને નિફ્ટીએ તેની રેકોર્ડ સપાટીનો સ્પર્શ કર્યો છે. આ દરમિયાન ટાટા ગ્રૂપની એક કંપનીના શેરે રોકાણકારોને ફકત એક જ વર્ષમાં માલામાલ કરી દીધા છે. ટાટા ગ્રૂપની આ કંપનીના શેરે છેલ્લા એક વર્ષમાં ૧,૧૨૯ ટકા રિટર્ન આપ્યું છે. આ શેર છે ટાટા ટેલિસર્વિસીસ (મહારાષ્ટ્ર) લિમિટેડ.

૯ જૂન ૨૦૨૦ના રોજ ટાટા ટેલિસર્વિસીસના એક શેરનો ભાવ ૩.૮૨ રૂપિયા હતો. જે ૯ જુલાઈએ બીએસઈમાં ૪૬.૯૫ રૂપિયાના ભાવ બંધ થયો હતો. મતલબ કે જે રોકાણકારે એક વર્ષ અગાઉ ટાટા ટેલિસર્વિસીસમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તેને આજે ૧૨.૨૯ લાખ રૂપિયાનું રિટર્ન મળ્યું હશે.

આ સમયગાળા દરમિયાન સેન્સેકસમાં ૪૨.૫૮ ટકાનો ઊછાળો આવ્યો છે ત્યારે આ શેરે પણ ૧,૦૮૬ ટકાનો ઉછાળો મેળવ્યો છે. આ વર્ષની શરૂઆતથી ટાટા ટેલિસર્વિસીસના શેરે ૪૮૯ ટકાનો ઉછાળો મેળવ્યો છે.

ભલે ટાટા ટેલિસર્વિસીસના શેરનું રિટર્ન ઘણું જ વધારે રહ્યું હોય પરંતુ જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં કંપનીને ૨૮૮.૨૯ કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. જોકે, ત્રિમાસિકના આધારે તેનું નુકસાન ઓછું થઈ રહ્યું છે કેમ કે ગત વર્ષે એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં કંપનીની ખોટ ૧,૦૬૯ કરોડ રૂપિયા હતી.

આ શેરની કિંમતમાં વધારા પાછળ ટાટા સન્સ દ્વારા ટાટા ટેલિસર્વિસીસ માટે લેવામાં આવેલા કેટલાક પગલા જવાબદાર છે. એક અહેવાલ પ્રમાણે ટાટા ટેલિસર્વિસીસ ટાટા ટેલિ બિઝનેસ સર્વિસીસ (ટીટીબીએસ)ના નવા નામ સાથે નવા અવતારમાં જોવા મળશે. જે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સેવા પૂરી પાડશે.

(10:13 am IST)