Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સો.મીડિયામાં વિરોધ બાદ

કરાંચીમાં આવેલી ગુજરાતી સ્કૂલને ફરી પોતાનું જૂનું નામ મળશે

કરાંચીની ઓળખ અખંડ ભારતના સમયે ગુજરાતી અને સિંધિ વેપારીઓથી હતી. ત્યારે કરાંચીમાં અનેક ગુજરાતી સ્કૂલો હતી. : વર્ષ ૨૦૧૨માં પાકિસ્તાનની તત્કાલિન સરકારે કરાંચીની સ્કૂલનું નામ બદલીને મલાલા યુસુફઝાહીના નામ પર રાખ્યું હતું. : શેઠ કુંવરજી ખીમજી લોહાણા દ્વારા આઝાદી પૂર્વ શિક્ષણના ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપતાં આ સ્કૂલ શરૃં કરવામાં આવી હતી.

કરાંચી,તા.૧૦ : પાકિસ્તાનના કરાંચીમાં આવેલી ગુજરાતી સ્કૂલ ફરી એકવાર પોતાના જૂના નામ શેઠ કુંવરજી ખીમજી લોહાણા ગુજરાતી સ્કૂલ નામથી ઓળખાશે. પાકિસ્તાનના સિંધ પ્રાંતની સરકાર દ્વારા આ સ્કૂલનું નામ બદલીને મલાલા યુસુફઝાહી કરવામાં આવ્યું હતું જોકે આ બાબતે સોશિયલ મીડિયામાં વિરોધ ઉપડતાં અને અનેક સામાજીક કાર્યકર્તાઓએ ઈતિહાસના ગૌરવ સાથે છેડછાડ અંગે વિરોધ ઉઠાવ્યા બાદ સિંધ પ્રાંતની સરકારે સ્કૂલને ફરી જૂનું નામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જોકે ગુજરાતી સામાજીક કાર્યકર્તા શેઠ કુંવરજી ખીમજી લોહાણાના કાર્યોના જીવતા જાગતા પુરાવા સમી આ સ્કૂલને જૂની ઓળખ મેળવવાનું કાર્ય સરળ નથી રહ્યું. આજથી ૮-૯ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૨માં જ તત્કાલીન સરકારે આ સ્કૂલનું નામ બદલીને મલાલા યુસુફઝાહી ગવર્નમેન્ટ ગર્લ્સ સેકેન્ડરી હાઈ સ્કૂલ કરી દીધું હતું.

જોકે પાકિસ્તાનના માનવાધિકાર એકિટવિસ્ટ કપિલ ડેવે આ અંગે ટ્વિટર પર જંગ છેડી હતી અને ટ્વિટ કર્યું હતું કે 'આપણે ઇતિહાસને બદલવો જોઈએ નહીં.' આ સાથે તેમણે સિંધ પ્રાંતના શિક્ષણ મંત્રીને પણ સરકારના આ નિર્ણયને બદલવા માટે આગ્રહ કરતા ઈતિહાસના ગૌરવને પુનઃસ્થાપિત કરવાની માગણી કરી હતી. તેમજ મલાલાના નામ પર બીજી નવી સ્કૂલ ખોલવા માટે સરકારમાં માગણી કરી હતી. બીજી તરફ મલાલાના પિતા ઝુઆઉદ્દીન યુસુફઝાહીએ પણ કહ્યું હતું કે સ્કૂલનું નામ તેમની દીકરીના નામે નહીં પણ તેના મૂળ નામે હોવું જોઈએ. તેમણે કહ્યું કે ઇતિહાસનું સમ્માન કરવાની આપણી ફરજ છે.

સોશિયલ મીડિયામાં પણ સ્કૂલનું મૂળ નામ પરત લાવવા માટે ઝુંબેશ શરું હતી. ત્યારે સિંધ પ્રાંત શિક્ષણ મંત્રી સઈદ દ્યાનીએ કહ્યું કે મે વિભાગને આ બાબતે એ અહેવાલ તૈયાર કરવા કહ્યું છે અને ત્યારબાદ સ્કૂલનું જૂનું નામ પરત કરવાની પ્રક્રિયા શરું કરવામાં આવશે. તેમણે કહ્યું કે 'સમગ્ર સરકારી પ્રક્રિયા પૂર્ણ થયા પછી સ્કૂલનું જૂનું નામ ફરીથી રાખવામાં આવશે. પરંતુ કોઈ બીજી સ્કૂલ જેમાં આ પ્રકારે જૂના નામને લઈને સમસ્યા ન હોય તેવી સ્કૂલનું નામ મલાલા પરથી ચોક્કસપણે રાખવામાં આવશે.'

ત્યારે આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ભૂજમાં રહેતા વ્યવસાયે વકીલ એવા ૮૩ વર્ષના વી.એમ. ગણાત્રા કે જેઓ શેઠ કુંવરજી ખીમજી લોહાણા ગુજરાતી સ્કૂલમાં ધો. ૪ સુધી ભણ્યા છે. પોતાની સ્મૃતીઓ વાગોળતા કહે છે કે આજે પણ તેમને સ્કૂલના એ દિવસો યાદ છે. તેમજ કેટલાક શિક્ષકોના ચહેરા પણ હજુ તેમને યાદ છે. ગણાત્રાનો પરિવાર આઝાદી પહેલા કરાંચીથી ભુજ આવીને વસી ગયો હતો.

સોશિયલ મીડિયા યુઝર્સે ટ્વિટ કરીને કહ્યું હતું કે આઝાદી પહેલાના એ સમયમાં કુંવરજી ખીમજી એક આદરણીય સામાજીક સુધારક હતા. ખાસ કરીને તેમણે શિક્ષણના ક્ષેત્રે ખૂબ જ ઉમદા કર્યો હતા. તેમનું નામ કરાંચીના ઇતિહાસમાં અને કરાંચીને બનાવવામાં ગુજરાતી-સિંધિઓના સહકારને સૂચવે છે.

કરાંચી નજીક આવેલ ગામ જમશેદના ભૂતપૂર્વ મેયર અને ભારતીય મૂળના ફ્રેન્ચ પાકિસ્તાની નાગરી મોહમ્મદ આરીફ અજાકિયાએ કહ્યું કે કરાંચીમાં પહેલા દ્યણી બધી ગુજરાતી સ્કૂલો હતો. પરંતુ સમય જતાં બધી સ્કૂલો ધીરે ધીરે બંધ થઈ ગઈ છે. તેમાંથી જે પણ શરું છે તે હવે સ્થાનિક ભાષામાં જ શિક્ષણ આપે છે.

તેવી જ રીતે કચ્છમાં રહેતા ડો. મહાદેવ લોહાણા જેમણે પોતાના જીવનના ૨૫ વર્ષો કરાંચીમાં કાઢ્યા છે તેમણે કહ્યું કે એક અંદાજ પ્રમાણે કરાંચીમાં ગુજરાતી બોલનારા લોકોની વસ્તી ૨૦ લાખ આસપાસ છે. તેમણે કહ્યું સરકારી ચોપડે નોંધાયેલા રેફરન્સ મળે છે કે વર્ષ ૧૯૬૨માં સિંદ સરકારે તારાવંતી બાઈ નામના મહિલાને ગુજરાતી ભાષાના શિક્ષિકા તરીકે શેઠ કુંવરજી ખીમજી લોહોણા ગવર્ન્મેન્ટ હાઈસ્કૂલમાં ફરજ પર મૂકયા હતા. તેઓ ગત વર્ષે જ પોતાની ફરજ પરથી નિવૃત્ત્। થયા છે. ડો. લોહાણાએ કહ્યું કે આમ પણ સરકારી સ્કૂલોમાં ખૂબ જ ઓછા એડમિશન થઈ રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષામાં અભ્યાસ બહુ લાંબા સમય સુધી થઈ શકે તેમ નથી.

(10:10 am IST)