Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

આબુમાં રાજકોટના હેડકોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ કરી ભાગેલો માધોસિંહ જ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો સુત્રધાર

બુટલેગરે કારથી એરપોર્ટ પોલીસ સ્ટેશનના જમાદારને કચડી મારવાનો પ્રયાસ કરતાં પીએસઆઇએ ફાયરીંગ કર્યુ : પીએસઆઇ રાકેશ એન. સાકરીયાની ફરિયાદ પરથી આબુરોડ પોલીસે માધોસિંહ સામે ૩૦૭ મુજબ ગુનો દાખલ કર્યો : માધોસિંહ અને બોબી ઉર્ફ મોની ભાગીદારમાં ગુજરાતમાં ગેરકાયદે દારૂની ગાડીઓ ઘુસાડે છે : ગયા સોમવારે ૧૮ાા લાખના દારૂ સાથે ઝડપાયેલા સુખવેન્દ્રસિંઘને લઇને પીએસઆઇ સાકરીયા, હેડકોન્સ. અશોકભાઇ કલાલ અને યોગેન્દ્રભાઇ ચોૈહાણ આબુ ગયા'તાઃ સ્થાનિક પોલીસને સાથે રાખી સુખવેન્દ્રસિંઘને દારૂ ભરેલી ગાડી આપવામાં મદદ કરનાર વિજયને પકડાયોઃ વિજયને સાથે લઇ મોની ઉર્ફ બોબીના ગોડાઉન તરફ જતી વખતે રસ્તામાં કારમાં માધોસિંહ દેખાતાં તેને પકડવા જતાં જમાદારને ઉલાળી દેવા પ્રયાસ કર્યો, ફાયરીંગ થતાં ભાગી ગયો

રાજકોટ તા. ૧૦: લાખોના દારૂ સાથે ઝડપાયેલા હરિયાણાના ટ્રક ચાલકને લઇ આબુરોડ તપાસમાં ગયેલી રાજકોટ એરપોર્ટ પોલીસની ટીમના હેડકોન્સ્ટેબલ પર ઉદયપુરના શખ્સે ગાડી ચડાવી કચડી મારવાનો પ્રયાસ કરતાં બચાવમાં પીએસઆઇને ફાયરીંગ કરવું પડ્યું હતું. પોલીસે એક આરોપીને દબોચ્યો છે. તેમજ સાથે તપાસમાં એ પણ ખુલી ગયું છે કે હરિયાણાનો મોની ઉર્ફ બોબી અને ઉદયપુરનો માધોસિંહ સાથે મળી ગુજરાતમાં મોટા ભાગનો ગેરકાયદેસર દારૂ ઘુસાડે છે.

એરપોર્ટ પોલીસની ટીમે આબુ રોડ પહોંચી દારૂની ગાડી મોકલનારા હરિયાણાના મોની ઉર્ફ બોબીના સાગ્રીત વિજયને દબોચી લીધા બાદ વિજયને દારૂ ભરેલી ગાડી આપનાર મોનીને શોધવા તેના ગોડાઉન તરફ જતી વખતે રસ્તામાં તેનો પાર્ટનર માધોસિંહ કારમાં જ મળી જતાંં હેડકોન્સ્ટેબલ અશોકભાઇ કલાલ તેની કાર નજીક જતાં જ તેણે કાર ચાલુ કરી અશોકભાઇને ઠોકરે ચડાવી દેવાનો પ્રયાસ કરતાં પીએસઆઇ સાકરીયાએ બચાવ માટે સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરીંગ કરતાં ચાલક ભાગી ગયો હતો અને અશોકભાઇ બચી ગયા હતાં. ભાગી જનાર માધોસિંહ વિરૂધ્ધ આબુ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

એરપોર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવતાં હાલ રાજકોટ હેડકવાર્ટર બ્લોક નં. ૦૨ રૂમ નં. ૧૬માં રહેતાં પીએસઆઇ રાકેશભાઇ નટવરભાઇ સાકરીયાની ફરિયાદ પરથી આબુરોડ સદર પોલીસ સ્ટેશનમાં  ઉદયપુરમાં રહેતાં આરોપી માધોસિંહ સામે આઇપીસી ૩૦૭ મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પીએસઆઇ આર. એસ. સાકરીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે એરપોર્ટ પોલીસની ટીમે દારૂના જથ્થા સાથે અંબાલાના સુખવેન્દ્રસિઘ મનમોહનસિંઘ મુલતાનીને પકડ્યો હોઇ તેના રિમાન્ડ મળતાં પુછતાછ થતાં તેણે પોતે રાજસ્થાનથી ગાડી લાવ્યાનું કહેતાં તેને સાથે લઇ હું, હેડકોન્સ. અશોકભાઇ કલાલ તથા યોગેન્દ્રભાઇ ચોૈહાણ ખાનગી વાહન જીજે૦૬ઇકયુ-૭૪૩૪માં આરોપી સુખવેન્દ્રસિંઘને લઇને ૮/૭ના સાંજે પાંચેક વાગ્યે રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશનથી નીકળ્યા હતાં. મારી પાસે તથા અશોકભાઇ સાથે સર્વિસ પિસ્તોલ હોઇ સાથે લીધી હતી.

૯મીએ અમે આબુ પહોંચ્યા હતાં અને સિરોહી પોલીસ સ્ટેશન પહોંચી આરોપી સુખવેન્દ્રસિંઘને સુરક્ષાને કારણે લોકઅપમાં મુકયોહ તો. એ પછી ઉડવારીયા સ્વરૂપગંજ ટોલનાકા પહોંચી ત્યાંથી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં અને ફૂટેજ પેનડ્રાઇવમાં લીધા હતાં. એ પછી વધુ તપાસ માટે સુખવેન્દ્રસિંઘને લઇ આબુરોડના સદર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. જ્યાંથી અમારી સાથે હેડકોન્સ. જીતેન્દ્રદાસ તથા કોન્સ્ટેબલ મુરારીલાલ મદદમાં જોડાયા હતાં. તપાસમાં દારૂની ગાડી આપનાર તરીકે વિજય ધર્મપાલ કશ્યપનું નામ ખુલ્યું હોઇ તેના મોબાઇલનું લોકેશન તપાસતાં તે આકરાભટ્ટા હાઉસીંગ બોર્ડ તરફ હોવાની જાણ થતાં વિજય તથા તેની સાથે બીજો એક શખ્સ મળી આવ્યો હતો. તેનું નામ રણજીત હતું.

સુખવેન્દ્રસિંઘે કહ્યું હતું કે વિજયએ જ મારી મુલાકાત મોની સાથે કરાવી હતી. રણજીત એ મોનીનો માણસ છે. વિજય અને રણજીતને મોની વિશે પુછવામાં આવતાં તેણે મોનીનું અસલી નામ બોબી હોવાનું કહ્યું હતું. તેમજ બોબી ઉર્ફ મોની આમથલાના દારૂના ગોડાઉનમાં માધોસિંહ સાથે મળી ભાગીદારીમાં દારૂનો ધંધો કરે છે. તેમ પણ જણાવ્યું હતું. ઉપરાંત વિજયએ માધોસિંહ આમથલા ગોડાઉનમાં જ હોઇ શકે છે તેવી શકયતા દર્શાવતા અમે વિજય, રણજીતને પણ સાથે લઇને આમથલા તરફ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં સાંજે ૪:૧૫ આસપાસ ટ્રોમા સેન્ટર નજીક સુખવેન્દ્રસિંઘ, વિજય અને રણજીતે એક મેટાલિક ગ્રે કલરની બ્રેઝા કાર ૫૪૦૮ ઉભી હોઇ તે ગાડી બોબી ઉર્ફ મોનીની હોવાનું કહેતાં જ અમે અમારી ગાડી ઉભી રાખી હતી.

રણજીતે કહ્યું હતું કે આ બ્રેઝા કારમાં મને ૫/૭ના રોજ બોબી ઉર્ફ મોનીએ બેસાડ્યો હતો અને સવારે પાંચ વાગ્યે ઉડવારીયા ટોલટેકસ સ્વરૂપગંજથી ૨૦૦ મીટર દૂર દારૂ ભરેલી ટ્રક આપી હતી. આથી અમારી સાથેના હેડકોન્સ. અશોકભાઇ કલાલ નીચે ઉતર્યા હતાં અને બ્રૈજા કાર જીજે૨૪-૫૪૦૮ ઉભી હોઇ તેમાં એક શખ્સ ગાડી ચાલુ કરીને જ બેઠો હોઇ તેની પુછતાછ કરવા માટે અશોકભાઇ આગળ વધતાં જ એ શખ્સે કાર ચાલુ કરી ભગાવી મુકી હતી અને અશોકભાઇને કચડી મારવા પ્રયાસ કરી પુરઝડપે તેના તરફ હંકારી મુકી હતી. આથી મેં (પીએસઆઇ સાકરીયાએ) બચાવ માટે કારના ડ્રાઇવર સાઇડ તરફ મારી સર્વિસ રિવોલ્વર બતાવી તેને ઉભી રાખવા ઇશારો કર્યો હતો. પણ તે ઉભો રહ્યો નહોતો, જેથી મેં હેડકોન્સ. અશોકભાઇને બચાવવા ગાડીના ટાયર તરફ ફાયરીંગ કરતાં ગોળી ડ્રાઇવર સાઇડના સાઇડગ્લાસમાં લાગતાં કાચ ફુટી ગયો હતો. એ કારણે ચાલકે થોડુ બેલેન્સ ગુમાવતાં ગાડી થોડી ટર્ન લઇ ગઇ હતી અને અશોકભાઇ બચી ગયા હતાં.

ગાડીમાં માધોસિંહ (મોની ઉર્ફ બોબીનો પાર્ટનર) બેઠો હોવાનું સુખવેન્દ્રસિંઘે જણાવ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે માધોસિંહ જ ગુજરાતમાં મોટા ભાગનો ગેરકાયદેસર દારૂનો જથ્થો તેના ભાગીદાર બોબી ઉર્ફ મોની સાથે મળીને ઘુસાડે છે. માધોસિંહને અમે પકડવાનો પ્રયાસ કરતાં તે અમારી સાથેના હેડકોન્સ્ટેબલ પર કાર ચડાવવાનો અને મારી નાંખવાનો પ્રયાસ કરી ભાગી ગયો છે.

ઉપરોકત ફરિયાદ પરથી આબુરોડ સદર પોલીસ સ્ટેશનના થાણા પ્રભારી સપારામ ઉનિપુએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એરપોર્ટ પોલીસે એક આરોપી વિજય કશ્યપને સકંજામાં લીધો છે અને રણજીતને પણ પુછતાછ માટે સાથે જોડ્યો છે. આજ સવાર સુધી એરપોર્ટ પોલીસની ટીમ આબુરોડ પોલીસ સ્ટેશને કાર્યવાહી માટે રોકાઇ હતી.

પીઆઇ જી. એમ. હડીયાએ જણાવ્યું હતું કે પીએસઆઇ સાકરીયાએ સર્વિસ રિવોલ્વરમાંથી કરેલા ફાયરીંગને કારણે જ ભાગી રહેલા કાર ચાલકે થોડુ બેલેન્સ ગુમાવતાં કાર થોડી બીજી દિશામાં વળી ગઇ હતી અને હેડકોન્સ. અશોકભાઇ કલાલ બચી ગયા હતાં. આ તપાસને કારણે એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે ગુજરાતમાં ગેરકાયદે દારૂની મોટા ભાગની ગાડીઓ બોબી ઉર્ફ મોની અને તેનો ભાગીદાર ઉદયપુરનો માધોસિંહ મોકલે છે. આ એક મોટી સફળતા છે. આરોપી વિજય કશ્યપને વધુ તપાસ માટે રાજકોટ લાવવામાં આવી રહ્યો છે.

(11:30 am IST)