Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

બિહારમાં ચાર માઓવાદીને ઠાર મરાયા : ૧ જવાન ઘાયલ

પશ્ચિમ ચંપારણ જિલ્લામાં દળોનું ઓપરેશન : માઓવાદીઓએ એક ગામમાં ત્રાટકી બેની હત્યા કરી નાખી

પટણા, તા. ૧૦ : બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં સલામતી દળોએ ચાર માઓવાદીઓને ઠાર મારી દીધા છે. ભારત અને નેપાળ સરહદે અડીને આવેલાં આ વિસ્તારમાં સલામતી દળોએ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં તેમણે માઓવાદીઓના એક અડ્ડા પરથી અત્યાધુનિક શસ્ત્રો પણ મળ્યા હતા તેમ સશસ્ત્ર સીમા બળના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું. દરમિયાન મુંગેર જિલ્લામાં નકસલવાદીઓએ એક ગામમાં ત્રાટક્યા હતા અને બે લોકોનું ગળું કાપીને તેમની હત્યા કરી દીધી હતી તેમ પોલીસનું કહેવું છે.

               માઓવાદીઓ સાથે સશસ્ત્ર દળોની અથડામણ સવારે આશરે ૪:૪૫ કલાકે થઇ હતી. પટણા રેન્જના આઇજી સંજય કુમારે જણાવ્યું હતું કે 'અમને બાતમી મળી હતી કે વાલ્મિકી ટાઇગર રિઝર્વની ફરતે આવેલા જંગલમાં માઓવાદીઓનું એક જૂથ છુપાયું છે. એ મુજબ અમે સ્થાનિક પોલીસકર્મીઓને સાથે રાખીને ઓપરેશન શરૂ કર્યું હતું.' રામ બાબુ સાહની ઉર્ફે રાજનની આગેવાનીમાં આવેલું આ જૂથ અમને જોઇને ભાગ્યું હતું. પરંતુ સામે સામે થયેલી અથડામણમાં તેના ચાર લોકો ઠાર મરાયા હતા. તેમનો નાયબ 'બિપુલ' પણ આમાં અમારી ગોળીનો શિકાર બન્યો હતો તેમ સંજીવ કુમારે ઉમેર્યું હતું. સાહનીને પકડવા માટે એક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તેમ જણાવતાં એસએસબીના અધિકારીએ ઉમેર્યું હતું કે ઘટનાસ્થળથી એક એકે-૫૬ રાઇફલ, ત્રણ એલએલઆર અને એક .૩૦૩ રાઇફલ મળી આવી છે.

અમારા એક જવાનને માઓવાદીઓની ગોળીમાં ઇજા થઇ છે. જોકે તે ખતરાથી બહાર છે. મુંગેરમાં બે લોકોને મારીને નક્સલવાદીઓ હાથથી લખેલી પત્રિકાઓ નાખીને ભાગી ગયા હતા. જેમાં તેમણે આ લોકો પોલીસના બાતમીદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.

(9:41 pm IST)