Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ભારત-ચીન વચ્ચેના તણાવનો ભારે ફાયદો ઉઠાવતું પાકિસ્તાન

ચીન પીઓકેમાં સતત રોકાણ કરી રહ્યું છે : જૂન માસના અંતમાં ચીન, પાકિસ્તાન અને ચીનની કોલસા કંપનીએ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે

નવી દિલ્હી, તા. ૧૦ : લદાખની ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે પેદા થયેલા વર્તમાન તણાવનો પાકિસ્તાન જોરદાર ફાયદો ઉઠાવી રહ્યું છે. આ વાતના પુરાવા છે કે પાકિસ્તાન અને ચીનની વચ્ચે પાકિસ્તાન કબજાયુક્ત કાશ્મીર(પીઓકે)માં સૂચિત હાઈડ્રોપાવર પ્રોજેક્ટને લઈને સમજૂતી થઈ છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ લગભગ ૨.૪ અબજ ડોલર જેટલો છે. ચીનની બેલ્ટ એન્ડ રોડ યોજના હેઠળ ચીન-પાકિસ્તાન ઇકોમિક કોરિડોર(સીપીઈસી)નું નિર્માણ થઈ રહ્યું છે. તેની કેટલીય યોજના હજુ અધુરી છે અથવા તો અટકી પડી છે. પરંતુ ચીન ભારતને ઘેરવા માટે પીઓકેમાં નવી-નવી યોજનાને મંજૂરી આપી રહ્યું છે. જૂન મહિનાના અંતમાં ચીન, પાકિસ્તાન અને ચીનની કોલસા કંપનીએ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ હેઠળ પાકિસ્તાનના કબજાયુક્ત કાશ્મીરમાં ૧૧૨૪ મેગાવોટ હાઈડ્રોપાવર પ્લાન્ટ બનાવવામાં આવશે.

               પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં કોઈ ચીની કંપનીનું પાવર સેક્ટરમાં આ સૌથી મોટું રોકાણ છે. છેલ્લા બે મહિનાની અંદર પાકિસ્તાનમાં આ દ્વિતીય મેગાપ્રોજેક્ટ છે, જેનું ફંડિંગ કરવા ચીને સહમતી આપી છે. મે મહિનામાં ચીને પાવર કર્ન્સ્ટ્શન કોર્પોરેશનને દિઆમેર ભાષા ડેમ બાંધવની મંજૂરી આપી હતી. ચીની સરહદથી ૩૨૦ કિલોમીટર દૂર બનનાર આ ડેમનું ફંડિંગ પણ ચીન કરી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચીન ભારતને ઘેરવા માટે રણનીતિ અંતર્ગત હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સહિત પીઓકેની યોજનામાં રોકાણ વધારી રહ્યું છે. ભારત ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનું વિરોધ કરતું રહ્યુ છે. ભારતનું કહેવું છે કે પાકિસ્તાનના કબજાયુક્ત કાશ્મીરમાં કોઈ પણ પ્રકારની યોજના કે પ્રોજેકટ શરુ કરી શકાય નહીં. ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે આખું જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનો અભિન્ન હિસ્સો છે અને હંમેશા રહેશે. પાકિસ્તાનના કબજાયુક્ત વિસ્તારમાં આ પ્રકરાની કોઈ પણ યોજના કે પ્રોજેક્ટને લઈને અમે પાકિસ્તાન અને ચીન સામે સતત વિરોધ નોધાવતા રહીશું. જોકે, પાકિસ્તાન સાથે ડીલ કરવા ચીન ભારતના પક્ષને કમજોર કરવાની કોશિશ કરી રહ્યું છે. લદાખમાં ભારતીય-ચીની સરહદની વચ્ચે તાજેતરના સંઘર્ષ પહેલાં ભારતે ડારબૂક-શ્યોક-ડીબીઓ રોડ ઉદ્ઘાટન કર્યું હતું. ૨૫૫ કિલોમીટર લાંબી આ રોડ લદાખથી શરુ થાય છે અને કરાકોરમ ઘાટથી ૨૦ કિલોમીટર દૂર રોડ સમાપ્ત થાય છે.

કરાકોરમ ઘાટ વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનો છે, કારણ કે આ લદાખને ચીનના શિનજિયાંગ પ્રાંતથી અલગ કરે છે અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો પણ મહત્વનો હિસ્સો છે. આ રોડથી ચીનની ચિંતા વધી ગઈ હતી. જર્મન માર્શલ ફંડ ઓફ ધ યૂએસમાં એશિયા પ્રોગ્રામના રિસર્ચ ફેલો એન્ડ્રુ સ્મોલે એશિયન રિવ્યુને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે,ભૂતકાળમાં ચીન પ્રોજેકટની પસંદગીને લઈને એ વાતથી સાવચેતી રાખતું હતું કે કાશ્મીરમાં મૂળ પરિસ્થિતિ યથાવત્ રહે, કોઈ ફેરફાર થાય નહીં. પરંતુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટથી આ ટ્રેન્ડ તૂટી રહેલો નજરે પડે છે. હવે ચીન આ મુદ્દાઓ પર આગળ પણ પહેલા ભારતીય પક્ષની ચિંતાઓ પૂરી રીતે અવગણવાના મૂડમાં દેખાઈ રહયું છે.

(9:37 pm IST)