Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

વોડાફોન અને આઇડિયાને નાણાકીય મુશ્કેલી સર્જાઈ : ટાવર કંપનીઓનાં બિલ ચૂકવવાનાં પણ પૈસા નથી

જૂન મહીનાનું ભાડું અને વીજળીની ચૂકવણી કરવામાં ડિફોલ્ટ

નવી દિલ્હીઃ વોડાફોન ગ્રુપ અને આદિત્ય બિરલા ગ્રુપનાં જોઇન્ટ વેન્ચર વોડાફોન-આઇડિયાએ ટેલિકોમ ટાવર કંપનીઓને જૂન મહીનાનું ભાડું અને વીજળીની ચૂકવણી કરવામાં ડિફોલ્ટ કરી છે. ટેલિકોમ ટાવર પેઢીનાં એક વરિષ્ઠ અધિકારીનાં જણાવ્યાં અનુસાર, આ ડિફોલ્ટનું કારણ એડસ્ટેડ ગ્રોસ રેવન્યુની સરકારને કરવામાં આવેલી ચૂકવણી છે. તેનાં કારણે પૈસાની મુશ્કેલી સર્જાઇ છે. જેને લીધે કંપની ભાડાં અને વિજળીનું બિલ નથી આપી શકી.

તેઓએ જણાવ્યું કે, “સામાન્ય રીતે કંપની દર મહીનાની ત્રીજી તારીખનાં રોજ ચૂકવણી કરી નાખે છે પરંતુ આ મહીને અમને એક પણ રૂપિયો નથી મળ્યો. વોડાફોન-આઇડિયાની તમામ ટેલિકોમ કંપનીઓ પર કંઇક સો કરોડનું બિલનું દેવું છે. જેનાંથી એક ચેન રિએક્શન થશે, કેમ કે અમારે અમારા સપ્લાયર્સને પણ ચુકવણી કરવાની હોય છે જેમાં ઓઇલ કંપનીઓ પણ શામેલ છે.”

વોડાફોન-આઇડિયા આ સમયે પૈસાની ભારે મુશ્કેલી સામે ઝઝૂમી રહેલ છે. જ્યારથી કંપનીને સુપ્રીમ કોર્ટ તરફથી 54 હજાર કરોડ રૂપિયાનાં એજીઆરની ચૂકવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. માર્ચ 2020નાં રોજ ખતમ થયેલા વર્ષમાં વોડાફોન ગ્રુપે 73,131 કરોડ રૂપિયાનું નુકસાન દેખાડ્યું હતું. આ દરમ્યાન કંપનીને 44,715 કરોડ રૂપિયાની આવક થઇ હતી.

(9:34 pm IST)