Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

વિકાસ દુબે પ્રકરણમાં યુપી પોલીસની કાર્યવાહી સામે સવાલો ન ઉઠાવવા જોઇએઃ શિવસેના કોંગ્રેસ, બસપાના જુદા-જુદા મત

નવી દિલ્હી: કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી અને કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે આજે કાનપુર હાઈવે પર એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. આ એન્કાઉન્ટરનું શિવસેનાએ સમર્થન કર્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે યુપી પોલીસની કાર્યવાહી પર સવાલ ન ઉઠાવવા જોઈએ. જે ગુંડાઓએ પોલીસની હત્યા કરી તેના પર સવાલ ઉઠવા જોઈએ, પોલીસ પર નહીં. વિકાસ દુબેનું એન્કાઉન્ટર લો અને ઓર્ડરનો સવાલ હતો. આ બાજુ કોંગ્રેસે સંરક્ષણ આપનારાનું હવે શું એમ કહી સવાલ ઉઠાવ્યો છે જ્યારે માયાવતીએ તપાસની માગણી કરી છે.

પ્રિંયંકા ગાંધીએ સંરક્ષણ આપનારા પર ઉઠાવ્યાં સવાલ

કાનપુર કાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેના એન્કાઉન્ટરને લઈને પ્રિયંકા ગાંધીએ તેને સંરક્ષણ આપનારાઓ ઉપર પણ સવાલ ઉઠાવ્યાં છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે અપરાધીનો અંત થઈ ગયો, અપરાધ અને તેને સંરક્ષણ આપનારા લોકોનું શું થશે? પ્રિયંકા ગાંધીએ વિકાસ દુબેનું નામ કુખ્યાત અપરાધિઓની સૂચિમાં સામેલ ન હોવા ઉપર પણ સવાલ ઉઠાવ્યાં હતાં.

માયાવતીએ ટ્વીટ કરીને આ માગણી કરી

આ બાજુ બસપા સુપ્રીમો માયાવતીએ અથડામણની તપાસની માગણી કરી છે. માયાવતીએ માગણી કરી છે કે આજે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વિકાસ દુબે અને 2 જુલાઈની રાતે શહીદ થયેલા 8 પોલીસકર્મીઓના મામલે ઉચ્ચસ્તરીય તપાસ સુપ્રીમ કોર્ટની નિગરાણીમાં કરાવવી જોઈએ.

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કાનપુર પોલીસ હત્યાકાંડ અને આ સાથે જ મુખ્ય આરોપી વિકાસ દુબેને મધ્ય પ્રદેશથી કાનપુર લાવતી વખતે આજે પોલીસગાડીના પલટવા અને તેના ભાગવાની કોશિશ પર યુપી પોલીસ દ્વારા ઠાર કરવા વગેરે મામલાઓ પર માનનીય સુપ્રીમ કોર્ટની નિગરાણીમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

માયાવતીએ અલગ એક ટ્વીટ કરીને લખ્યું કે ઉચ્ચ સ્તરીય તપાસ એટલા માટે પણ જરૂરી છે કારણ કે કાનપુર નરસંહારમાં શહીદ થયેલા 8 પોલીસકર્મીઓના પરિવારને યોગ્ય ન્યાય મળી શકે છે. આ સાથે જ પોલીસ અને અપરાધિક રાજકીય તત્વોની સાંઠગાંઠ પણ બહાર આવી શકે. આવા પગલાંઓથી જ યુપી અપરાધ મુક્ત થઈ શકે છે.

અત્રે જણાવવાનું કે હિસ્ટ્રીશીટર વિકાસ દુબે આજે સવારે 7.15 વાગ્યાથી 7.35 દરમિયાન યુપી એસટીએફની સાથે કાનપુર હાઈવે પર થયેલી અથડામણમાં માર્યો ગયો. વિકાસ દુબેએ પોલીસની પિસ્તોલ છીનવીને ભાગવાની કોશિશ કરી હતી. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. તેણે પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે સ્વબચાવમાં જવાબી ફાયરિંગ કર્યું હતું.

(5:29 pm IST)