Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

કાર નહીં પણ સરકાર પલટતા બચાવાઈ છે : અખિલેશ યાદવ

વિકાસ દુબે એન્કાઉન્ટર અંગે નિવેદન : એન્કાઉન્ટર બાદ યૂપીનાં પૂર્વ સીએમ અખિલેશે ટ્વિટ કરી પોલીસ અને સરકારની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવ્યાં

કાનપુર , તા. ૧૦ : કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનાં એન્કાઉન્ટર બાદ યૂપીનાં પૂર્વ સીએમ અખિલેશ યાદવે ટ્વિટ કરીને પોલીસ અને સરકારની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યાં છે. અખિલેશે પોતાનાં ટ્વિટમાં ગાડીએ પલટી મારતા કટાક્ષ કર્યો છે. અખિલેશ યાદવે ટ્વિટ કરતા કહ્યું કે, "હકીકતમાં આ કાર નથી પલટી, રહસ્યો ખુલતા સરકાર પલટી જતા બચાવવામાં આવી છે." અત્રે નોંધનીય છે કે, આજે શુક્રવારનાં રોજ ઉત્તર પ્રદેશનાં ૮ પોલીસ કર્મચારીઓની હત્યાનાં માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેનું આજે એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. વિકાસ દુબેને લઈને આવનારી ઉત્તરપ્રદેશની  જી્હ્લની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત બાદ ભાગવાનો પ્રયત્ન કરી રહેલા ગેંગસ્ટર વિકાસ દુબેને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. વિકાસ દુબેને લઈને કાનપુર રવાના થઈ રહેલી ગાડીઓના કાફલામાં આગળ ચાલતી ગાડી સવારે સાડા ૬.૦૦ વાગ્યે બેકાબૂ બનીને પલટી ખાઈ ગઈ હતી.

          આ ગાડીમાં જ પાછળની સીટમાં ગેંગસ્ટર વિકાસ દુબે બે પોલીસ અધિકારીઓ સાથે બેઠો હતો. વિકાસ દુબેનાં એન્કાઉન્ટરને લઈને કાનપુર પોલીસ તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે,"૫ લાખનાં ઈનામી વિકાસ દુબેને ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવ્યાં બાદ પોલીસ અને જી્હ્લ ની ટીમ આજે ૧૦ જુલાઈનાં રોજ સવારનાં તેને કાનપુર લઈ જઈ રહી હતી. તે જ સમયે કાનપુર નગર પાસે પોલીસની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈને પલટી ગઈ હતી. જેમાં વિકાસ દુબે અને પોલીસકર્મી પણ ઘાયલ થયા હતાં." કાનપુર પોલીસનાં જણાવ્યાં અનુસાર, "આ દરમ્યાન વિકાસ દુબેએ ઘાયલ પોલીસકર્મીની રિવોલ્વર છીનવીને ભાગવાની કોશિશ કરી. પોલીસ ટીમ દ્વારા તેનો પીછો કરીને તેને ઘેરી લેવામાં આવ્યો.  બાદમાં તેને સરેન્ડર કરવાનું કહ્યું પરંતુ તે ના માન્યો અને પોલીસ ટીમ પર ફાયર કરવા લાગ્યો. વળતા આત્મરક્ષણ માટે પોલીસે તેની પર ફાયરિંગ કર્યું. એ દરમ્યાન વિકાસ દુબે ઘાયલ થઈ ગયો અને બાદમાં તેનું મોત નિપજ્યું હતું."

(7:20 pm IST)