Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

બેંક કર્મચારીઓની સુરક્ષાનું ધ્યાન રાખોઃ નાણા મંત્રાલય

નવી દિલ્હી, તા.૧૦: તાજેતરના ભૂતકાળમાં દેશના કેટલાક ભાગમાં બેન્કરો પર હુમલાની ઘટનાને પગલે બેંક અધિકારીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા નાણા મંત્રાલયે રાજયને અપીલ કરી છે.

નાણાકીય સેવાના વિભાગે રાજયના મુખ્ય સચિવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે બેન્કરો સામે અસામાજિક તત્ત્વોના બેકાબૂ વર્તન જેવી ઘટનાઓમાં આવા લોકો સામે કડક પગલાં ભરવામાં આવે.

ગયા મહિને ગુજરાતના સુરતમાં કેનેરા બેંકની એક મહિલા કર્મચારી પર પોલીસ કોન્સ્ટેબલે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બેંકોના તમામ કર્મચારીઓની સુરક્ષાની ખાતરી આપી હતી.

'હાલના પડકારો વચ્ચે પણ બેંકો આપણા લોકો માટે સેવા આપી રહી છે. તેમની સલામતી અને ગૌરવ જોખમાવું ના જોઇએ,' એમ નિર્મલા સીતારામને જણાવ્યું હતું.

(10:23 am IST)