Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

યુપીમાં આજે રાત્રે ૧૦ વાગ્યાથી લોકડાઉનઃ હાલથી ૨ દિ' બજારો બંધઃ ૧૩મી સુધી પ્રતિબંધો

વાયરસને ફેલાતો રોકવા સરકાર આકરા પાણીએ

 

લખનૌ, તા.૧૦:ઉત્તરપ્રદેશની યોગી સરકારે કોરોના વાયરસના સંક્રમણના વધતા કેરને ધ્યાનમાં રાખીને ફરીથી લોકડાઉન જાહેર કરી દીધું છે. ૧૦ જુલાઈના રોજ રાત્રિના ૧૦ વાગ્યાથી ૧૩ જુલાઈના રોજ સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર રાજયમાં લોકડાઉન રહેશે. સરકારે યુપીમાં વધતા કોરોનાના કહેરના કારણે આ કડકાઈ પૂર્વક નિર્ણય લીધો છે. આગામી ત્રણ દિવસની અંદર કડક રીતે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. આ દરમિયાન દરેક સંસ્થાઓ, બજાર, ઓફીસ, સરકારી ઓફીસ અને ખાનગી ઓફિસો પણ બંધ રહેશે. જયારે આવશ્યક સેવાઓ માટે પરવાનગી છે. આ દરમિયાન સાર્વજનિક સાધનોની સાથે રોડવેઝ બસોની આવનજાવન પણ બંધ રહેશે.

યુપીના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારીએ કહ્યું હતું કે. કોવિડ-૧૯ની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી તથા અન્ય રોગોને પણ ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રાજયમાં ૧૦ જુલાઈ રાત્રિના ૧૦ વાગ્યાથી ૧૩ જુલાઈ સવારે ૫ વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે.

યુપી સરકારે પોતાના આદેશમાં સ્પષ્ટ કહી દીધું છે કે, ત્રણ દિવસની અંદર દરેક સંસ્થાઓ, બજાર, શાક માર્કેટ, વ્યવસાયિક સંસ્થાઓ, સરકારી અને ખાનગી ઓફિસ બંધ રહેશે. આ દરમિયાન સાર્વજનિક સાધનોની સાથે રોડવેજ બસોની આવનજાવન પણ બંધ રહેશે.

સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર માલવાહક સાધનો પર કોઇપણ પ્રકારની રોક નહિ હોય, જયારે નેશનલ હાઈવે પર રહેલા પેટ્રોલ પંપ અને ઢાબા ખુલ્લા રહેશે. આ સિવાય રેલવે સેવા પણ ચાલુ રહેશે.

(10:23 am IST)