Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

એક્સપ્રેસ હાઈવે પર મોટી સંખ્યામાં વાહનો અટવાયા

વડોદરા એક્સપ્રેસ હાઈવે પર લોકોને મુશ્કેલી : વડોદરા એક્સપ્રેસ નાલાસોપારા-વિરારની વચ્ચે ફસાઈ

મુંબઇ,તા. ૧૦ : મુંબઈમાં ભારે વરસાદના કારણે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર મોટી સંખ્યામાં લોકો અટવાઈ પડ્યા છે. જેના પરિણામ સ્વરુપે બાળકોને વધારે મુશ્કેલી આવી રહી છે. આ એક્સપ્રેસ હાઈવે ઉપર પાણી ભરાઈ જવાના કારણે મોટી સંખ્યામાં વાહનો અટવાઈ પડ્યા છે. મળેલી માહિતી મુજબ ૧૨૯૨૮ વડોદરા એક્સપ્રેસ ટ્રેન નાલાસોપારા અને વિરાર વચ્ચે ફસાઈ ગયા બાદ તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. એક્સપ્રેસ ટ્રેનમાં ફસાયેલા યાત્રીઓને બચાવી લેવામાં આવ્યા છે. તેમને સુરક્ષિત કાઢીને અન્યત્ર મોકલવામાં આવ્યા છે. અમદાવાદ-મુંબઈ ટ્રેન સેવાને પણ માઠી અસર થઇ છે. કારણ કે, ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. એક્સપ્રેસ ટ્રેનો જે લાંબાઅંતરની છે તે પણ રદ કરવામાં આવી છે. મુંબઈમાં સોમવાર સુધીમાં ૧૩૬૩ મીમી વરસાદ નોંધાઈ ચુક્યો હતો અને આજે તેમાં સાત ઇંચથી વધુનો વધારો થઇ ચુક્યો છે. એક સિઝનમાં થનાર વરસાદના ૫૪ ટકા ક્વોટા સુધીનો વરસાદ નોંધાઈ ચુક્યો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે અને મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર મોટી સંખ્યામાં વાહનો ફસાઈ ગયા છે. આ સ્થિતિમાં હજુ સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. મુંબઈમાં હવામાન વિભાગ તરફથી ૧૫મી જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અતિભારે વરસાદ હજુ જારી રહેશે. આજે ભારે વરસાદના કારણે હિંદમાતા, કિંગ સર્કલ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહી હતી. લોકો પોતાની ઓફિસમાં મોડેથી પહોંચ્યા હતા. ગઇકાલે પણ તમામ જગ્યાએ ભારે વરસાદ થયો હતો જેથી હજુ પણ પાણી ઉતર્યા હતા. વરસાદ જારી રહ્યો છે. સોમવારના દિવસે દહાનુમાં ૩૫૪ મીમી વરસાદ, વર્લીમાં ૧૮૦ મીમી, ભાંડુપમાં ૧૧૮, મારોલમાં ૧૮૨ મીમી, કાંદિવલીમાં ૧૬૨, વરસોવામાં ૧૪૦, થાણેમાં ૧૫૬, મુલુંદમાં ૧૮૬ અને ગોરેગાંવમાં ૧૮૬ મીમી વરસાદ થયા બાદ હજુ પણ વરસાદ જારી રહ્યો છે જેથી આ તમામ વિસ્તારો જળબંબાકાર થયેલા છે. શુક્રવાર સુધી મુંબઈના લોકોને રાહત નહીં મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. નાલાસોપારાના પાંડેનગરમાં ઘરમાં પણ પાણી ઘુસી ગયા છે. પોલીસ સ્ટેશનમાં પણ પાણી ઘુસી ગયા છે.

ડબ્બાવાળાની સેવા પણ એક દિવસ માટે બંધ....

        મુંબઈ, તા. ૧૦ : સમગ્ર મુંબઈમાં ટિફિન પહોંચાડવા માટેના કામ સક્રિય રહેલી અને ડબ્બાવાળાના નામથી લોકપ્રિય સેવા પણ એક દિવસ માટે બંધ રાખવામાં આવી છે. મુંબઈમાં મોટી સંખ્યામાં લોકો ડબ્બાવાળાની સેવા સાથે જોડાયેલા છે જે મોટાભાગના લોકો સુધી ભોજન પહોંચાડવાનું કામ કરે છે. આ કામગીરીને પણ જળબંબાકારની સ્થિતિ અને ભારે વરસાદના કારણે અસર થઇ છે. મુંબઈ ડબ્બાવાળા સંગઠનના પ્રવક્તા સુભાષ પાલેકરે કહ્યું છે કે, ઘર-ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે આજે ટિફિન એકત્રિત કરવામાં આવ્યા નથી. ઘુંટણ સુધી પાણી હોવાના કારણે સાયકલ ચલાવવાની બાબત મુશ્કેલ બની ગઈ છે.

(7:33 pm IST)