Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મહેબુબા મુફતીની મુશ્કેલીઓ વધી : ૧૪ ધારાસભ્યો છોડશે PDP?

પક્ષના નેતાઓ ખુલ્લેઆમ પક્ષ વિરોધી સૂર બોલી રહ્યા છે : પરિવારવાદનો આક્ષેપ

શ્રીનગર તા. ૧૦ : જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફતીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ભવિષ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે. પાર્ટીના નેતા અને ધારાસભ્ય ખુલ્લેઆમ પાર્ટી વિરોધી સૂર બોલી રહ્યા છે. તે પાર્ટી નેતૃત્વ પર પરિવારને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે સમર્થન પાછું ખેંચ્યા બાદ રાજયમાં પીડીપી માટે મુશ્કેલીઓ વધી ગઈ છે.

જાદીબલથી પીડીપીના નારાજ નેતા આબિદ અંસારીએ દાવો કર્યો છે કે ૧૪ ધારાસભ્ય પાર્ટી છોડવા માટે તૈયાર છે. શિયા નેતા ઈમરાન અંસારી રજા અને અંસારીએ ગત અઠવાડિયે પીડીપી છોડવાની જાહેરાત કરી હતી. જો કે, મહેબૂબાએ પોતાના ભાઈ તસદ્દુક સિદ્દીકીને પર્યટન મંત્રી બનાવ્યા હતા અને મામા સરતાજ મદનીને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હોવા છતાં ઘણા અધિકાર આપ્યા હતા. આ વાતથી નેતાઓ નારાજ છે.

બારામુલાથી ધારાસભ્ય જાવિદ હુસૈન બેગે મુફતી પર રાજયમાં પોતાનું ચલાવવાના આરોપ લગાવ્યા હતા. તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય પોતાના સંબંધીઓ અને સાંસદ મુજફફર હુસૈન બેગ પર છોડી દીધો છે. ગુલમર્ગ ધારાસભ્ય મોહમ્મદ અબ્બાસ વાનીએ પણ પરિવારવાદ અને ભ્રષ્ટાચારના આરોપ લગાવતા પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી.

મહેબૂબાએ ગત અઠવાડિયે ઘણા ધારાસભ્યો અને પાર્ટી નેતાઓ સાથે એક-એક કરીને મુલાકાત કરી હતી. પાર્ટી સૂત્રોના મતે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેવા કે વીઆર વીરી, જીએન લોન, મોહમ્મદ ખલીલ બંદ, જહૂર મીર, એણવાઈ ભટ, નૂર મોહમ્મદ ભટ, યાવર દિલાવર મીર અને અજાજ અહમદ મીરે મુફતીને સમર્થનનો ભરોસો અપાવ્યો છે.

(3:56 pm IST)